કચ્છના કિસાનો-પશુપાલકોમાં જિજ્ઞાશા જાગી છે

કચ્છના કિસાનો-પશુપાલકોમાં જિજ્ઞાશા જાગી છે
ભુજ, તા. 12 : કચ્છના કિસાનો અને પશુપાલકોમાં સતત નવું જાણવાની જિજ્ઞાસા જાગી છે. પાક અને પશુનું મૂલ્ય ઘણું વધ્યું છે. કૃષિમેળા અને ત્યારબાદ કૃષિ ડેરી એક્સ્પોના આયોજન દ્વારા?છેલ્લા બાર વરસથી કરાયેલી તપસ્યાના મીઠાં ફળ મળવા લાગ્યા છે, તેવી લાગણી `નર્મી'ના ટૂંકા નામે ઓળખાતી નેશનલ રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટયૂટ સંસ્થા દ્વારા મીડિયા પાર્ટનર `કચ્છમિત્ર'ના સહયોગથી  યોજાયેલા 10મા હાઇટેક કૃષિ અને ડેરી એકસ્પોના સમાપન પ્રસંગે મહાનુભાવોએ વ્યકત કરી હતી. સતત ચાર દિવસ સુધી કચ્છ, બૃહદ કચ્છ તેમજ વિવિધ રાજ્યોમાંથી સતત ઊમટેલા કિસાન-પશુપાલક સમુદાયના ધમધમાટથી ગાજતા રહેલા કૃષિ-ડેરી એકસ્પોનું શુક્રવારે સમાપન થયું હતું. સમાપન પ્રસંગે એકસ્પોની મુલાકાત લેનાર સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ કલ્યાણ વિભાગના રાજ્યપ્રધાન વાસણભાઇ આહીરે આયોજક સંસ્થાઓની પ્રવૃત્તિને બિરદાવી હતી. સમગ્ર કૃષિ-ડેરી એકસ્પોના તમામ સ્ટોલ્સની રૂબરૂ મુલાકાત લીધા બાદ રાજ્યમંત્રીએ પ્રયોગશીલ કિસાનોનું સન્માન કર્યું હતું. નર્મીના અધ્યક્ષ પ્રશાંત પટેલે આવી પ્રવૃત્તિ સતત કરતા રહેવાની ખાતરી સાથે સહયોગીઓનો આભાર માન્યો હતો. કચ્છના અગ્રણી પ્રયોગશીલ કિસાન સ્વ. જેઠાલાલભાઇ મોરારજી ઠક્કરની સ્મૃતિમાં કચ્છના 10 ચુનંદા પ્રગતિશીલ કિસાનોને ટ્રોફી અર્પણ કરી સન્માનિત કરાયા હતા. ખીરસરાના રતનશીભાઇ અરજણ છાભૈયા, નેત્રાના કરમશી કાનજી માકાણી, રસલિયાના ભવાનભાઇ હીરજી પટેલ, દરશડીના નરશીંભાઇ કાનજી સેંઘાણી, કુકમાના રવજીભાઇ ધનજી ચાવડા, દામજીભાઇ મહેશ્વરી, દરશડીના પરેશ સેંઘાણી, કપાયા મોટાના દિનેશભાઇ પ્રેમજી વાલાણી, મદનપુરાના કરશનભાઇ રંગાણી, રસલિયાના હસમુખભાઇ દેવજી ચૌધરીને વાસણભાઇના હસ્તે ટ્રોફી અર્પણ કરાઇ હતી. મુખ્ય પ્રાયોજક સરહદ ડેરીના અધ્યક્ષ વલમજીભાઇ હુંબલ, એગ્રોસેલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ચૈતન્ય દીપેશભાઇ શ્રોફ તેમજ આશાપુરા ફાર્મના અધ્યક્ષ હરેશભાઇ ઠક્કરની ઉપસ્થિતિ વચ્ચે સમાપન સમારોહને સંબોધતાં રાજયપ્રધાન શ્રી આહીરે જણાવ્યું હતું કે, એક સમય એ પણ હતો કે, જ્યારે 25 હજારમાં ભેંસ વેચાતી, જ્યારે આજે અઢીથી ત્રણ લાખ ખર્ચતાં માંડ મળે છે. સ્વૈચ્છિક સંસ્થાઓને સાંકળવા સાથે લોકભાગીદારીના સરકારના પ્રયાસો તેમજ કૃષિ-ડેરી એકસ્પોની આવી પ્રવૃત્તિઓએ કચ્છની ખેતી અને પશુપાલનના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું તેમણે ઉમેર્યું હતું. પ્રગતિશીલ કિસાનોના સન્માન બાદ વાસણભાઇના હસ્તે દુધઇના કિશોર દામજી સથવારા અને કોટડા-ચાંદરાણીના અરજણભાઇ વસ્તાભાઇ કોઠીવાળને જ્હોનડીઅર ટ્રેક્ટરની ચાવી અર્પણ કરાઇ હતી. આ પ્રસંગે આશાપુરા ટ્રેડર્સના સૂત્રધાર ઘનશ્યામભાઇ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. બાગાયત નિયામક ડો. ફાલ્ગુન મોઢ, કચ્છમિત્રના  નિખિલ પંડયા, નવીન જોશી, નિમિષ વોરા, પ્રફુલ્લ ગજરા, હુસેન વેજલાણી સહિત ઉપસ્થિત રહ્યા હતા.એગ્રોસેલના અધ્યક્ષ દીપેશભાઇ શ્રોફ, મનોજભાઇ ગોહિલ, ખુશાલ ભાનાણી, વીઆરટીઆઇના ડાયરેક્ટર માવજીભાઇ બારૈયા સહિત અગ્રણીઓએ આયોજનને માર્ગદર્શન, પ્રોત્સાહન પૂરું પાડયું હતું.  નર્મીના અધ્યક્ષ પ્રશાંત પટેલ, પ્રતીક્ષાબેન પટેલના માર્ગદર્શન તળે વનરાજ કુવાડિયા, કરિશ્મા ગણાત્રા, જીનલ ધોળુ, રમેશ રામજિયાણી, પાર્થ સુરાણી, સુરેશ સેંઘાણી,  હેતલ વેકરિયા,  જેનીસ વાસાણી, આરતી વેલાણી, નિશા ચૌધરી સહિત કાર્યકરોએ આયોજન સંભાળ્યું હતું.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer