બિદડા સર્વોદય હોસ્પિટલની સેવા પ્રેરણારૂપ

બિદડા સર્વોદય હોસ્પિટલની સેવા પ્રેરણારૂપ
દેવેન્દ્ર વ્યાસ દ્વારા  માંડવી, તા. 12 : સાડાચાર દાયકાઓથી બિદડા સર્વોદય ટ્રસ્ટે જારી રાખેલી આરોગ્યસેવાની જ્યોત અનેકો માટે પ્રેરણા બની છે. ગરીબોની દુઆ (આશીર્વાદ) કદી પણ એળે નથી જતા, એમ મંત્રીપદનો કાર્યભાર સંભાળ્યા બાદ પહેલી વાર અહીં શાહ કલ્યાણજી માવજી પટેલ આરોગ્ય ધામ પરિસરમાં બોલતાં રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે કહ્યું હતું. સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, સરકારના કર્તવ્યમાં આવતી કામગીરીની જવાબદારી બિદડા ટ્રસ્ટે સ્વીકારીને સેવાને સાકાર સ્વરૂપ આપ્યું છે. મેગા આરોગ્ય કેમ્પ અંતર્ગત મુલાકાતે આવેલા  મહાનુભાવોમાં આ વિભાગના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા અને ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જોડાઈને વિવિધ વિભાગોની જાણકારી મેળવી હતી. કચ્છી રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે વડાપ્રધાન મોદીને સાચા અર્થમાં કર્મયોગી તરીકે મૂલવીને સેવાયાત્રામાં સંગી દાતાઓ, તબીબો, ટ્રસ્ટી મંડળ, સ્વયંસેવકોને વંદનીય ગણાવ્યા હતા. સાંસદ વિનોદભાઈ ચાવડાએ દિવંગત ચેરમેન બચુભાઈ રાંભિયાની મનોસૃષ્ટિના ઓવારણાં લેતા ચેરમેન વિજયભાઈ છેડા દ્વારા વિદેશોમાંથી આર્થિક, માનવશક્તિઓની પ્રાપ્તિને કાબિલેદાદ કહી તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે પ્રકલ્પની પીઠ થાબડવામાં આવી છે એવા `યોગા સેન્ટર'ના નિર્માણ માટે ટ્રસ્ટી મોવડી હેમંતકુમાર રાંભિયાના યોગદાનને બહુમૂલ્ય કહ્યું હતું. બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડાએ 44 વર્ષ દરમ્યાન 48 લાખ લાભાર્થીઓ, 2 લાખ શત્રક્રિયાઓ સહિતની વિગતો આપતાં કહ્યું હતું કે, બધી 240 પથારી સાથેના આરોગ્ય સંકુલમાં પ્રવર્તમાન કેમ્પ દરમ્યાન 30 હજારની સારવાર, 1200 શત્રક્રિયા સંપન્ન થશે. આંખની 750 તપાસણીમાંથી 600 જેટલી સર્જરી કરાશે. આ માટે 500 જેટલા સ્વયંસવકો સાથે ડઝનબંધ વિદેશી તબીબોનું યોગદાન છે. સંસ્થાના વરિષ્ઠ ટ્રસ્ટી અને રતનવીર નેચરક્યોર ઈન્સ્ટિટયૂટના નિયામક હેમંતકુમાર રાંભિયાએ પ્રવચનમાં ગત અઠવાડિયામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત યાદગાર લેખાવી હતી. વક્તાઓ ઉપરાંત મંચસ્થો ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, ચેરમેન શ્રી છેડા, શ્રી રાંભિયા, જયા રિહેબના નિયામક મુકેશભાઈ દોશી, સરપંચ સુરેશભાઈ સંઘાર, પૂર્વ નગરપતિ અનિરુદ્ધભાઈ દવે, તા. ભાજપ પ્રમુખ ચંદુલાલ વાડિયા, રાજેન્દ્રસિંહ જાડેજા વગેરેનો શાલ વડે સત્કાર કરાયો હતો. `સ્માર્ટ વિલેજ'ના શિલ્પી જગત શાહે એક હજાર દિવસો દરમ્યાન કચ્છમાં કુંદરોડી, બિદડા, રાયણને સ્માર્ટ વિલેજ તરીકે સાકાર કરાવવાની પ્રતિબદ્ધતા સાથે સરપંચ સુરેશ સંઘારની જાગૃતિને વખાણી હતી. પ્રારંભમાં સરપંચ સુરેશભાઈ સંઘારે ગ્રામઉત્થાનનો દાર્શનિક પરિચય કરાવતાં મહેમાનોનું અભિવાદન કર્યું હતું. વડાપ્રધાન શ્રી મોદી માટેની સ્મૃતિ ભેટને સાંસદ અને રાજ્યમંત્રીએ સ્વીકારી હતી. રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત મુકેશ દોશીનું બહુમાન મંત્રીના હાથે કરાયું હતું. સેવાઓ બદલ દિનેશ નાગુ, પ્રદ્યુમનસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, નવઘણભાઈ વાસણભાઈ આહીર વગેરેનું સન્માન કરાયું હતું. સંચાલન દિનેશ નાગુએ કર્યું હતું. દેવચંદભાઈ ફુરિયા, રવીન્દ્ર ત્રવાડી, એલ.ડી. શાહ, મસ્કાના સરપંચ કીર્તિ ગોર, ટુંડાના પૂર્વ સરપંચ દિગ્વિજયસિંહ ઝાલા, શૈલેશ મડૈયાર, કેશવજી રોશિયા, ઉપસરપંચ સુરેખાબેન, કેશવજીભાઈ મારૂ વગેરેએ સહયોગ આપ્યો હતો. રફીક મિત્રી, ભરત સંઘાર, ગુલામ મુસ્તફા સૈયદ, અનિરુદ્ધસિંહ જાડેજા, મેહુલ રાજગોર, શૈલેન્દ્ર ચતુર્વેદી વગરેએ વ્યવસ્થા સંભાળી હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer