ગાંધીધામ તાલુકા પંચાયતનું 1.96 કરોડની પુરાંતવાળું અંદાજપત્ર સામાન્ય સભામાં પસાર

ગાંધીધામ તાલુકા પંચાયતનું 1.96 કરોડની પુરાંતવાળું અંદાજપત્ર સામાન્ય સભામાં પસાર
ગાંધીધામ, તા. 12 : અહીંની તાલુકા પંચાયતની આજે મળેલી સામાન્ય સભામાં કુલ રૂા. 47,94,11,000ની આવક સામે વિકાસ, શિક્ષણ, આરોગ્ય, ખેતીવાડી, પશુપાલન, કુદરતી આફત, જાહેર બાંધકામ વગેરે માટે રૂા. 45,97,90,000નો ખર્ચ બતાવી રૂા. 1,96,21,000ની પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ સભામાં સત્તા પક્ષની અંદરો અંદરની ખટપટો પણ બહાર આવી હતી. તાલુકા પંચાયત કચેરી ખાતે મળેલી સામાન્ય સભામાં હોદેદારો, સભ્યો સિવાય સરપંચ પતિઓ તથા અન્ય લોકોની હાજરી સૂચક રહી હતી. તો દર વખતની જેમ આ વખતે પણ વિપક્ષ પાણીમાં બેઠો હોય તેમ જણાઈ આવતું હતું. આ સભા પહેલાં મળેલી કારોબારી બેઠકમાં ખુદ સત્તાપક્ષના અમુક સભ્યોએ વિકાસના કામ માત્ર કાગળ ઉપર જ થયા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. અંતરજાળ ગામમાં વિકાસ કામો માત્ર કાગળ ઉપર થયાના આક્ષેપ કરી આવા કામો અંગે સમિતિની રચના કરી તપાસ કરવાની માંગ પણ કરવામાં આવી હતી. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં તાલુકાની કોઈ પણ ગ્રાન્ટ આવે છે તેની જાણ સભ્યોને કરાતી જ નથી. સરપંચોના કહેવા મુજબ જ કામ કરવામાં આવે છે. આવા ડખાથી સત્તાપક્ષની આંતરિક ખટપટો બહાર આવી હતી તો આ બેઠક બહાર સત્તાપક્ષના એક અગ્રણી દ્વારા ગાળાગાળી કરાતાં કારોબારી ચેરમેનને બહાર દોડી આવવું પડયું હતું. તેમજ એક સભ્યએ તમને જે કરવું હોય તે કરો અમને પાપના ભાગીદાર નથી બનવું તેવું ચોખ્ખું સંભળાવી દીધું હતું. આ સામાન્ય સભામાં રજૂ કરવામાં આવેલા અંદાજપત્રમાં રાષ્ટ્ર માટે શહિદ થયેલા જવાનના વિધવા પત્ની માટે રૂા. 1 લાખની આર્થિક સહાય, મહિલા કલ્યાણ માટે રૂા. 2 લાખ અને રમતગમત માટે ગ્રામ પંચાયત દીઠ રૂા. 50,000ની જોગવાઈ કરવામાં આવી હતી. હાલની ખુલતી સિલક રૂા. 1,79,61,000 તથા સમગ્ર વર્ષ દરમ્યાનની આવક રૂા. 46,14,50,000 થઈને કુલ રૂા. 47,94,11,000 સામે આ વર્ષ દરમ્યાન  ખેતીવાડી, પશુપાલન, સામાન્ય વહીવટ, જાહેર બાંધકામ વગેરે માટે રૂા. 45,97,90,000નો ખર્ચ કરવામાં આવશે અને 31/3/2019ના  રૂા. 1,96,21,000ની સિલક તાલુકા પંચાયતના હાથમાં રહેશે આમ રૂા. 1,96,21,000ની પુરાંતવાળું અંદાજપત્ર આ બેઠકમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તાલુકા પંચાયતના અધ્યક્ષા લક્ષ્મીબેન મહેશ્વરી, ઈન્ચાર્જ ટી.ડી.ઓ. રમેશભાઈ વ્યાસ, કારોબારી ચેરમેન રમેશભાઈ મ્યાત્રા અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer