ગાંધીધામ-આદિપુરના માર્ગે સાઇકલો છવાઇ

ગાંધીધામ-આદિપુરના માર્ગે સાઇકલો છવાઇ
ગાંધીધામ, તા. 12 : સ્વામી વિવેકાનંદ જન્મજયંતીના ઉપલક્ષ્યમાં નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશન, આરોગ્ય ભારતી અને જાયન્ટ્સ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે ગાંધીધામથી આદિપુર સુધી બૃહદ વિવેકાનંદ સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીધામમાં બેન્કિંગ સર્કલ સ્થિત સ્વામી વિવેકાનંદની પ્રતિમાને હારારોપણ કરી સાઈકલ રેલીને વિશાળ જનમેદની વચ્ચે સ્ટાર્ટ આપવામાં આવ્યો હતો. વહેલી સવારે શરૂ થયેલી રેલી ઓસ્લો ચાર રસ્તા, ઇફકો, રોટરી સર્કલ, મૈત્રી રોડ, આદિપુર થઇ રામકૃષ્ણ સેવા મિશન આદિપુર ખાતે પૂર્ણ થઇ હતી. સમાપન સમારોહમાં ગાંધીધામ કોલેજિયેટ બોર્ડના પ્રમુખ અંજના હજારેએ આશીર્વચન પાઠવ્યા હતા.ડો. નરેશ જોષીએ સ્વાગત પ્રવચનમાં સૌ મહેમાનોને આવકાર્યા હતા. આ સાઈકલ રેલી નાગરિકોને જીવનશૈલીથી થતા રોગો અટકાવવાના હેતુથી યોજી હોવાનું ડો. નયન ઠક્કરે જણાવ્યું હતું. એન.એમ.ઓ. ગાંધીધામના પ્રમુખ ડો. દિનેશ હરાણીએ યુવાનોને આ પ્રકારના સારા કાર્યોમાં વારંવાર જોડાવવા અપીલ કરી આગામી વર્ષે ફરી એકવાર સાઈકલ રેલીમાં સામેલ થવા નિમંત્રણ પાઠવ્યું હતું. ડો. ચેતન વોરાએ આ રેલીના માધ્યમથી પ્રદૂષણમુક્ત યાતાયાત વાહનની તરફેણ કરીએ છીએ જે ગ્લોબલ વોર્મિંગની લડતમાં ટેકો આપશે તેવું જણાવ્યું હતું. તદઉપરાંત આ સઘન મિશન ઇન્દ્રધનુષમાં દરેક બાળકનું રસીકરણ કરાવવા અનુરોધ કર્યો હતો. આ વેળાએ 62 વર્ષની વયે 600થી 1000 કિલોમીટરની સાઈકલયાત્રા કરી ચૂકેલા ભાવનગર મેડિકલ કોલેજના ડીન ડો. સી. બી. ત્રિપાઠી, શારીરિક અપંગતાને પછાડી અદ્ભુત ક્ષમતા રાખતા ઉદય બાંગડે, 65 વર્ષીય મહિલા ચાલક ઉષાબેનનું જાહેર સન્માન કરાયું હતું. રેલીમાં શહેરની શાળાના બાળકો, બાળકીઓ, યુવાનો, વૃદ્ધો જોડાયા હતા. અંદાજે 1048 લોકો જોડાયા હોવાનો દાવો કરાયો હતો. સમાપનમાં દરેક સાઈકલિસ્ટને સુવર્ણપદક આપી સન્માનિત કરાયા હતા. તોલાણી કોમર્સ કોલેજના આચાર્ય ડો. મનીષ પંડયાએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. આયોજનમાં ડો. નિતેષ સુથાર, ડો. મુકેશ ભાટિયા, ડો. વિશાલ ઠક્કર, ડો. જ્યોતિષ ઠક્કર, ડો. હિતેશ શાહ, ડો. અલ્પેશ શાહ, ડો. ચંદ્રકાન્ત ઠક્કર, ડો. હિરેન મહેતા, ડો. કલ્પેશ મંગવાણી, ડો. રતન પટેલ, ડો. મહેશ મજેઠિયા, ડો. નિકુંજ બલદાણિયા, ડો. અશોક ઠક્કર, ડો. દીપક બાલાણી, ડો. એચ. સી. હોતચંદાણી, ડો. ભાવિન ઠક્કર વગેરે તબીબો સહયોગી બન્યા હતા. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer