ભુજ અને ઢોરીમાં તસ્કરીને અંજામ દેનારા બે ઇસમ કાયદાના સકંજામાં

ભુજ, તા. 12 : તાલુકામાં આહીરપટ્ટીના ઢોરી ગામે ગામની દૂધ મંડળીનાં મકાનનાં તાળાં તોડી તેમાં પડેલા રૂા. 16 હજારની કિંમતના એલ્યુમિનિયમ ધાતુના આઠ કેન તથા ભુજ શહેરમાં ભીડનાકા બહારના વિસ્તારમાં ખોડના વેપારીની દુકાનનાં તાળાં તોડીને રૂા. છ હજારની રોકડની ચોરી કરનારા ઢોરી અને સુમરાસર ગામના બે ઇસમની પોલીસે ધરપકડ કરી આ બન્ને તસ્કરીના તાગ મેળવી લીધા હતા. તો બીજી બાજુ તાલુકામાં પદ્ધર ગામે ટ્રકમાંથી બે બેટરી ચોરનારા પણ ઝડપી પડાયા છે.  ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ મથક દ્વારા કરવામાં આવેલી આ ગુનાશોધન કાર્યવાહીમાં ઢોરીના અસલમ રમજાન સમેજા તથા સુમરાસરના હારૂન સિધિક શેખને પકડાયા છે. આ બન્ને અન્ય કોઇ ચોરીઓમાં સંડોવાયેલા છે કે કેમ તે વિશેની માહિતી ઓકાવવા માટે બન્ને તહોમતદારના રિમાન્ડ મેળવવા માટે પોલીસે કાર્યવાહી હાથ   ધરી છે.  પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા. પાંચમીની રાત્રિ દરમ્યાન ઢોરીમાં ગામની દૂધ મંડળીના મકાનનાં તાળાં તોડીને આઠ કેનની તસ્કરીની આ ઘટના બની હતી. આ બાબતે ઢોરીના ત્રિકમ કરમણ વારોતરાએ ફરિયાદ લખાવી હતી. તો અન્ય કિસ્સામાં ભુજ શહેરમાં ભીડનાકા બહાર તળાવની પાળ નજીક ઠક્કર વેપારીની ખોળની દુકાનના શટરના તાળાં તોડીને રૂા. છ હજારની રોકડ રકમ ટેબલના ખાનામાંથી ઉઠાવી જવાઇ હતી. આ બન્ને તસ્કરીના પકડાયેલા આરોપી અસલમ અને હારૂને પોલીસ સમક્ષ કબૂલાત આપી છે.  પોલીસ ઇન્સ્પેકટર જે.એમ. આલ અને ફોજદાર કે.એમ. અગ્રાવતની રાહબરીમાં આ કામગીરીમાં સ્ટાફના પંકજ કુશવાહ, મયૂરાસિંહ જાડેજા, અશોક પટેલ, ફલજીભાઇ ચૌધરી, પ્રકાશ દેસાઇ વગેરે જોડાયા હતા.બીજી તરફ તાલુકામાં જ પદ્ધર ગામે પાર્ક કરાયેલી આઇવા ટ્રકમાંથી રૂા. બાર હજારની બે બેટરીની ચોરી કરનારા બે ઇસમ જુણા દેઢિયાના ગની તૈયબ સમા તથા કાઢવાંઢના હનિફ હસણ સમાને ઝડપી પડાયા છે. આ બન્ને ઇસમને ભુજમાં જી.આઇ.ડી.સી. હંગામી આવાસ વિસ્તારમાં રાત્રિ સમયની ફરજ દરમ્યાન ગૃહરક્ષક દળના વારીસ કે. પટ્ટણી, અસલમ આરબ અને રહેમતુલ્લા ખલીફાએ પકડયા હતા. આ પછી બી-ડિવિઝન મારફતે બન્નેને પદ્ધર પોલીસના હવાલે કરાયા હતા. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer