શિકારીઓને શિકાર કરવાની ના પાડતાં ખેડૂત ઉપર બંદૂકના કુંદા વડે હુમલો

ભુજ, તા. 12 : તાલુકામાં સુમરાસર (શેખ) અને ઢોરી ગામ વચ્ચેના સીમાડા વિસ્તારમાં બંદૂકના ભડાકા સાથે શિકાર કરવા માટે આવેલા નાના વરનોરા ગામના બે શિકારી ઇસમોને ભડાકા ન કરવા અને શિકાર ન કરવાનું કહેનારા સુમરાસર (શેખ) ગામના ખેડૂત વિરમ જીવાભાઇ ચાડ (ઉ.વ.48) ઉપર બન્ને શિકારીઓએ બંદૂકના કુંદા ફટકારવા સહિતનો હુમલો કર્યો હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.   પાંચાડામાં ભારે ચકચાર જગાવનારા આ પ્રકરણને લઇને ગતરાત્રે અત્રેના બી. ડિવિઝન પોલીસ મથકે ગ્રામજનો મોટી સંખ્યામાં ફરિયાદ-રજૂઆત માટે એકત્ર થયા હતા. આ પછી પોલીસે ખેડુ વિરમભાઇ ચાડની ફરિયાદ લઇને નાના વરનોરા ગામના ઇકબાલ સુલેમાન ભચુ  અને વાહેબ સુલેમાન ભચુ સામે ફોજદારી ગુનો દાખલ કર્યો હતો.  પોલીસ સાધનોએ ફરિયાદને ટાંકી આ વિગતો આપતાં જણાવ્યું હતું કે બન્ને આરોપી જીપ અને મોટર સાઇકલ લઇને ફરિયાદી શ્રી ચાડની વાડી નજીક શિકાર કરવા માટે આવ્યા હતા. તેમણે કરેલા ગોળીબારના અવાજ થકી દોડી આવેલા ફરિયાદીએ આ બન્નેને ફાયરિંગ અને શિકાર ન કરવાનું કહેતાં તેને બંદૂકના કુંદા ફટકારી ઇજા પહોંચાડાઇ હતી. આ બનાવમાં ખેડુને મોઢા ઉપર તથા ડાબી આંખ નીચે ઇજાઓ થઇ હતી. ફોજદાર જે.ડી. ઓઝાએ કેસની તપાસ હાથ ધરી છે.  દરમ્યાન આ શિકાર પ્રકરણના આ પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. નિયમિત રીતે થતી આ ગેરકાયદે પ્રવૃત્તિ બાબતે આગામી સોમવારે વિસ્તારની આઠેક ગ્રામ પંચાયતની રાહબરીમાં ગ્રામજનો જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપશે. જેમાં આહીર સમાજ પણ જોડાશે. આ પંથકમાં મોટું પશુધન છે જેને આ પ્રકારની પ્રવૃત્તિથી નુકસાન થઇ રહ્યાનું પણ ગ્રામજનોએ કહ્યું હતું. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer