માંડવીમાં કોલેજના પ્રશ્નો મુદ્દે યુનિવર્સિટીના છાત્રો દ્વારા ડખો

ભુજ, તા. 12 : માંડવીની એસ.વી. આર્ટસ કોલેજના પ્રશ્નોના મુદ્દે એબીવીપીના નેજા તળે ચાલતા છાત્રોના આંદોલનમાં આજે નવો વળાંક આવ્યો હતો. ઊભી થયેલી પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટે આજે યુનિવર્સિટીએ કોલેજના ટ્રસ્ટીઓ સાથે બોલાવેલી બેઠકમાં ડખો થયાના અહેવાલ મળી રહ્યા છે. દરમ્યાન આ અંગે સંપર્ક સાધતાં માંડવી કોલેજના પ્રિન્સીપાલ શ્રી બારડે જણાવ્યું હતું કે, છાત્રોને તમામ પ્રશ્નોના સત્વરે ઉકેલની ખાતરી કોલેજના સત્તાધીશો તરફથી અપાઈ છે. સૂત્રોના જણાવ્યાનુસાર છેલ્લા પખવાડિયાથી ચાલી રહેલા આંદોલનનો અંત લાવવા માટે યોજાયેલી બેઠક દરમ્યાન વાત સુધરવાના સ્થાને બગડી હોય તેમ અપશબ્દોના પ્રયોગ થયા હોવાના આક્ષેપ થયા હતા. માંડવીની એસ.વી. આર્ટસ કોલેજની ઇમારત જર્જરિત હોવા  છતાં  મંજૂરી વિના બાંધકામ કરાયું હોવા સહિતના મામલે છાત્રોમાં નારાજગી છે. આ અંગે સંપર્ક સાધતાં કુલપતિ ડો. સી. બી. જાડેજાએ જણાવ્યું કે, બેઠકમાં રૂબરૂ ચર્ચા કરીને આંદોલન સમેટવા માટે સમજાવવા પ્રયાસો કરાયા હતા. હવે આ પ્રકરણનો સકારાત્મક ઉકેલ આવશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer