દીનદયાળ પોર્ટને હવે પીપીપીમાંથી મળી મુક્તિ

ગાંધીધામ, તા. 12 : દીનદયાળ મહાબંદર સહિત દેશના તમામ મહાબંદરો ઉપર દાખલ કરાયેલી પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (પીપીપી) હેઠળના લગભગ તમામ પ્રોજેકટ નિષ્ફળ જતાં કેન્દ્ર સરકારે તે નીતિની પુન: સમીક્ષા કરીને હવે પીપીપી માટેના કન્સેશન એગ્રીમેન્ટની શરતોમાં મહત્ત્વના અને ખાનગી પેઢીઓને રોકાણકારો માટે અનુકૂળ ફેરફારો કર્યા છે. બીજીબાજુ નફો કરતાં બંદરો (જેમ કે દીનદયાળ પોર્ટ)ને પીપીપીમાંથી બાકાત રાખવાની પણ જોગવાઈ કરી છે. ડીપીટીના લેબર ટ્રસ્ટી મનોહર બેલાણીના જણાવ્યા પ્રમાણે સરકારે કન્સેશન એગ્રીમેન્ટમાં કરેલા ફેરફાર પણ આવકાર્ય છે અત્યાર સુધીના પ્રોજેકટોમાં રેવેન્યૂ શેરીંગ એટલે કે રોયલ્ટી લેવાતી હતી હવે સરકારે કરેલા ફેરફારમાં ભાગીદારા પેઢી પાસેથી કેટલો માલ કે કન્ટેનર હેન્ડલ કરે છે તેના ટન એજ પ્રમાણે રોયલ્ટી લેવાશે. ઉપરાંત અત્યાર સુધીમાં બંને ભાગીદારો એટલે કે મહાબંદર અને રોકાણકાર પેઢી પૈકી મોટાભાગના અધિકારો બંદર પ્રવાસન પાસે રહેતા હતા પરંતુ હવે બંનેને સરખા જ અધિકારો આપવામાં આવશે. જેથી હવે ખરા અર્થમાં ભાગીદારીથી ધંધો થઈ શકશે. કરારના ગાળા દરમ્યાન જો કોઈ પેઢી કાચી પડે તો તેને વેચવાની જોગવાઈ હેઠળ અત્યાર સુધી સંબંધિત પેઢીએ 25 ટકા શેર પોતાના રાખવા પડતા  હતા પરંતુ નવા ફેરફાર મુજબ પેઢી સંપૂર્ણપણે અન્યોને વેચી શકાશે. કેન્દ્ર સરકારે લાગુ કરેલી પીપીપી પદ્ધતિ નફો કરતા બંદરોને જરૂરી નથી. આવા બંદરો જાતે માળખાંકીય સવલતો જેમ કે જેટી વગેરે ઊભા કરીને તે ઓપરેટ એન્ડ મેઈન્ટેનન્સ (ઓ એન્ડ એમ) તળે ખાનગી પેઢીઓને સોંપી શકશે. પરિણામે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ પણ હવે જાતે જેટીઓનું નિર્માણ કરી શકશે. નફો નહીં કરતા મહાબંદરો પણ ખાસ કિસ્સામાં શિપીંગ મંત્રાલય સરકારની મંજૂરી લીધા બાદ સ્વભંડોળમાંથી સવલતો ઊભી કરી શકશે. સરકારે ખાનગી ભાગીદારીના ક્ષેત્રમાં કરેલા આ નોંધપાત્ર ફેરફારોને પગલે મહાબંદરોના વિકાસને આડે આવતો અવરોધ દૂર થઈ જશે અને ઝડપથી વિકાસકામો હાથ ધરી શકાશે તેવી લાગણી શ્રી બેલાણીએ વ્યક્ત કરી હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer