સ્વામીજીના સંદેશામાં દરેક ક્ષેત્રના ઉકેલ જોવા મળે છે

ભુજ, તા. 12 : રામકૃષ્ણ યુવક મંડળ દ્વારા સ્વામી વિવેકાનંદજીની 156મી જયંતી પ્રસંગે અહીં વક્તવ્ય આપતાં લાલન કોલેજના પ્રોફેસર ડો. મેહુલભાઈ શાહે આજના સમયમાં પણ સ્વામીજીનો સંદેશ પ્રસ્તુત છે, દરેક ક્ષેત્રમાં તેનો ઉકેલ મળે છે, તેમના વિચારો આજના સમયમાં અતિ આવશ્યક છે તેમણે શિક્ષણ એ પૂર્ણતાનું  પ્રગટીકરણ છે એમ જણાવ્યું હતું. પ્રારંભમાં મંડળના પ્રમુખ કેશવ ગોરે સ્વાગત કરતાં જણાવ્યું હતું કે રામકૃષ્ણ મિશન એ સેવા ક્ષેત્રમાં અગ્રેસર છે. તેમના માર્ગદર્શન હેઠળ 1000થી વધુ ખાનગી કેન્દ્રમાંનું એક અને ગુજરાતનું સૌથી જૂનું કેન્દ્ર રામકૃષ્ણ યુવક મંડળ છેલ્લા પચાસ વર્ષથી મિશનના માર્ગદર્શન હેઠળ અનેકવિધ સેવાકાર્યો તથા યુવાનોને પ્રેરણા આપતા કાર્યક્રમો કરી રહ્યું છે. આજના સમયમાં જ્યાં વાંચનનો પ્રભાવ ઘટતો જાય છે ત્યારે સ્કૂલ-કોલેજમાં રૂબરૂ જઈને સ્વામીજીના સાહિત્ય વાંચનની પ્રેરણા આપી દાતાઓની સહાયથી 50 ટકા વળતર આપીને દર વર્ષે રૂા. 1 લાખ સુધીનું સાહિત્ય વેચવામાં આવે છે. સાહિત્ય દ્વારા સેવાની જેમ નરનારાયણ સેવાના વિવિધ મેડિકલ કેમ્પ, જરૂરતમંદોને રાશનકિટ, સ્વેટર વિતરણ વગેરે કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો. વક્તાનું સન્માન શાંતિભાઈ ઠક્કરે કર્યું હતું. પરિચય નિરૂપમ છાયાએ આપ્યો હતો. કાર્યક્રમ માટે હિતેન્દ્રભાઈ ધોળકિયા, ટી.ટી., કંસારા, દેવેન્દ્રભાઈ ધોળકિયા સહયોગી રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ગૌરાંગ રાણાએ જ્યારે આભારવિધિ પરાગ રાણાએ કર્યા હતા.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer