ગાંધીધામ સંકુલમાં ખુદ પોતાની જ મિલકતોના આધાર ડીપીટી પાસે નથી !

ગાંધીધામ, તા. 12 : કંડલા ગાંધીધામ સંકુલની જમીનોનો વહીવટ સંભાળતા અને અધૂરાશો મામલે પ્લોટમાલિકો સામે આકરું વલણ દાખવતા દીનદયાલ પોર્ટ પાસે તેમની મિલકતોની પરવાનગી નકશા સહિતની  માહિતી હાથ વગી ન હોવાનો ઘટસ્ફોટ?માહિતી અધિકાર તળે કરાયેલી અરજીના જવાબમાં થયો છે.ગાંધીધામના નાગરિક સંજય ગાંધીએ પોર્ટના કાર્યાલય કર્મચારીઓના રહેણાક વિસ્તાર ગોપાલપુરીની બાંધકામની માહિતી અને તે માટે જીડીએમાં મેળવેલી પરવાનગી અંગે આરટીઆઇ તળે અરજી કરી હતી. આ અરજીના જવાબમાં પોર્ટ પ્રશાસને જણાવ્યું હતું કે, આ માહિતી 60 વર્ષ જૂની હોવાથી રેકોર્ડમાંથી મળશે કે કેમ તે અંગે આશંકા વ્યકત કરી રેકોર્ડ શોધવાનો પ્રયત્ન કરાશે તેવું જણાવાયું છે. ડીપીટી દ્વારા તેમના દ્વારા કરાયેલા બાંધકામને પરવાનગી સહિતની માહિતી આપવામાં યેનકેન પ્રકારે ઠાગાઠૈયા કરાતા હોવાનો આક્ષેપ અરજદારે કર્યો હતો. નજીકના સમયમાં જ પોર્ટ દ્વારા વહીવટી કાર્યાલયના મકાનો પોર્ટ કોલોનીમાં અનેક ફેરફારો છે, તો શું તેનો રેકોર્ડ નિભાવાયો નહીં હોય તેવો સવાલ ઉઠાવાયો છે. પોર્ટ પ્રશાસન જમીનોના ઉપયોગકર્તાઓ પાસેથી જીડીએમાં નકશા પાસ કરાવવાનો બાંધકામની પરવાનગી, કમ્પ્લીશન સર્ટિફિકેટ મેળવવાની અપેક્ષા રાખી છે. જો યોગ્ય પૂર્તતા કરવામાં ન આવે તો પ્લોટનો કબ્જો લઇ લેવામાં આવે છે. જ્યારે પ્રશાસન પોતાના બાંધકામની મંજૂરી સહિતના દસ્તાવેજોની જાળવણી ન કરતી હોવાની દીવા તળે અંધારાની કહેવતને પ્રશાસને સાર્થક કરી છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer