ઓચિંતી તપાસમાં 208 પંચાયતી કર્મી `ગુમ''

ભુજ, તા. 12 : તાલુકાના બન્ની-પચ્છમ અને તેની નજીકના નખત્રાણા તાલુકાના મળી 63 જેટલા ગામોમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા 24 અધિકારીની ઓચિંતી ટીમો મોકલાઈ હતી. સાંજ સુધી ચાલેલી આ કાર્યવાહીમાં 119 કર્મચારીઓને કારણદર્શક નોટિસ અપાઈ હતી. ઉલ્લેખનીય છે કે ગત મહિને રાપર તાલુકામાં ગુટલીબાજ કર્મચારીઓની આવી તપાસ આદરી હતી. આજે 842 કર્મચારીને આવરી લેતી તપાસમાં 634 હાજર હતા, જ્યારે 208 કાર્યના સ્થળે ગેરહાજર જણાયા હતા. આ ગેરહાજરીનાં કારણોમાં 64 રજામાં, 10 ફિલ્ડમાં, 108 અનધિકૃત રીતે ગેરહાજર, તો 26 અન્ય રીતે હાજર નહોતા. જિલ્લા વિકાસ અધિકારી સી.જે. પટેલ અને ઈ. નાયબ જિ.વિ. અધિકારી (મહેકમ) ડો. કે.જી. બ્રહ્મક્ષત્રિયએ આપેલી વિગતો મુજબ પંચાયતની કાર્યવાહીઓ પરની આ તપાસ કાર્યવાહીમાં ગ્રામ પંચાયતમાં 37માંથી 11 હાજર જ્યારે 26 ગેરહાજર હતા. ત્રણ અન્ય રીતે ગેરહાજર હતા. જ્યારે અનધિકૃત 23 હતા. તેમને કારણદર્શક નોટિસ ફટકારાઈ હતી. આરોગ્યના સેન્ટરોની તપાસમાં 58માંથી 15 ગેરહાજર હતા. પાંચ ફિલ્ડમાં, છ અનધિકૃત અને ચાર અન્ય રીતે ગેરહાજર હતા. તે પૈકી 12નો ખુલાસો મગાયો હતો. પ્રાથમિક શાળાઓની વિગતો આપતાં જણાવ્યું કે 443 પૈકી 84 હાજર નહોતા. જે પૈકી 61 રજામાં હતા, બે ફિલ્ડમાં, 15 અનધિકૃત રીતે હાજર રહ્યા નહોતા. આ પૈકી 12ને નોટિસો ફટકારાઈ હતી. આંગણવાડીઓમાં 175 માંથી 57 ગેરહાજર હતા. તે પૈકી રજામાં માત્ર બે જ, જ્યારે 46ની અનધિકૃત ગેરહાજરી હતી. આવા 53 કર્મીનો ખુલાસો મગાયો હતો. મધ્યાહ્ન ભોજનમાં 129 કર્મચારીમાંથી 26 ગેરહાજર હતા. તેમાંથી રજામાં માત્ર એક, ત્રણ ફિલ્ડમાં, 18 અનધિકૃત રીતે અને ચાર અન્ય રીતે હાજર નહોતા જણાયા. આ પૈકી 19ને કારણ પૂછાયા હતા.842 કર્મચારીઓની સરપ્રાઈઝ ચેકિંગ કરાતાં 208 ગેરહાજર હતા. તે પૈકી 108 અનધિકૃત રીતે ગેરહાજર રહ્યા હતા. આ ગુપ્ત તપાસના બીજા દોરથી ગુટલીબાજ પંચાયતી કર્મચારીઓમાં ફફડાટની લાગણી ફેલાઈ છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer