કચ્છમાં બંધનું એલાન બેઅસર :શિક્ષણકાર્ય રાબેતા મુજબ ચાલુ

ભુજ, તા. 12 : ખાનગી શાળાઓમાં તોતિંગ ફીના વિરોધમાં ગુજરાત રાજ્યમાં વાલીમંડળે પ્રતીક `શિક્ષણ  બંધ'ના આપેલા એલાનનું કચ્છમાં કોઇએ મન પર ન લીધું હોય તેમ શિક્ષણકાર્ય રાબેતા મુજબ ચાલ્યું હતું. બીજી તરફ જિલ્લા કોંગ્રેસે ફી નિયમન લાગુ કરવાની એક નિવેદનમાં માંગ કરી હતી. કચ્છમાં `શિક્ષણ  બંધ'ના એલાનની કોઇ જ અસર જોવા મળી ન હતી. અહીં ઉલ્લેખનીય છે કે જિલ્લામાં લાંબા સમયથી વાલીમંડળ જેવી સંગઠિત સંસ્થા કાર્યરત જ નથી. આમ, છૂટોછવાયો ગણગણાટ થતો હોય છે પરંતુ આંદોલનાત્મક કાર્યક્રમ થયા નથી તે નોંધનીય છે. તાજેતરમાં બે દિવસ પૂર્વે વ્હાઇટ હાઉસ સંકુલમાં ફીના મુદ્દે ડખો થયા બાદ મામલો શાંત થઇ ગયો હતો. આ સંજોગોમાં કચ્છમાં ખાનગી શાળાઓનું શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ ધમધમતું રહ્યું હતું. દરમ્યાન જિલ્લા કોંગી પ્રમુખ નરેશ મહેશ્વરીએ એક અલગ નિવેદનમાં માગણી કરી હતી કે વર્તમાન સમયમાં અનેક ખાનગી શાળાઓ શિક્ષણ ફીના નામે મોટી રકમ વસૂલે છે. તેમણે ફીમાં ઘટાડો કરવા અને વસૂલાયેલી ફીનું રિફંડ આપવા રજૂઆત કરી હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer