એક સપ્તાહમાં યુરિયા નહીં આવે તો અબડાસા કોંગ્રેસ દ્વારા આંદોલન થશે

નલિયા, તા. 12 : અબડાસામાં રાસાયણિક ખાતરની તંગી સર્જાતાં રવીપાક ઘઉં પર ખતરો ઊભો થયો છે. તંત્ર દ્વારા એક અઠવાડિયામાં રાસાયણિક ખાતર અબડાસામાં પહોંચતું નહીં કરાય તો ખેડૂતોને સાથે રાખી સત્યાગ્રહની ચીમકી અપાઈ છે. આ અંગે અબડાસા તા.પં.ના વિપક્ષી નેતા અબ્દુલભાઈ ગજણએ રાજ્યના કૃષિમંત્રી અને જિલ્લાના ખેતીવાડી નિયામકને પાઠવેલા આવેદનપત્રમાં અબડાસામાં છેલ્લા દોઢેક માસથી યુરિયા અને ડી.એ.પી. સહિતના રાસાયણિક ખાતરની અછત સર્જાઈ છે. 40 ટ્રકની જરૂરત સામે 15 દિવસમાં માત્ર 3 ટ્રક આવી છે. જેના કારણે ઘઉંના પાકને નુકસાન થઈ રહ્યું છે. કચ્છના ભુજ અને માંડવીમાં અમુક ઠેકાણે રાસાયણિક ખાતર મળે છે. અબડાસામાં આવો જથ્થો હજી પહોંચ્યો નથી, પરિણામે ખેડૂતો પાયમાલ છે. કેટલાક ખેડૂતો ભુજ અને માંડવી સહિતના દૂરના વિસ્તારોમાંથી રાસાયણિક ખાતર ખરીદે છે, જેનું પરિવહન ખર્ચ?વધુ લાગતાં આર્થિક રીતે પરવડતું નથી. અબડાસામાં 15થી 20 રાસાયણિક ખાતરના ડીલરો છે પણ કોઈની પાસે માલ નથી. તંત્ર દ્વારા એક અઠવાડિયાની અંદર રાસાયણિક ખાતરનો જથ્થો અબડાસામાં પહોંચતો નહીં કરાય તો મામલતદાર કચેરી સામે ખેડૂતો દ્વારા સત્યાગ્રહ કરાશે તેવી ચેતવણી અપાઈ છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer