પશુપાલકો વૈજ્ઞાનિક અભિગમ સાથે સરકારની વિવિધ યોજનાનો લાભ મેળવે

ભુજ, તા. 12 : પશુપાલન શાખા, જિલ્લા પંચાયત ભુજ તેમજ પશુ દવાખાના-ભુજ દ્વારા સ્થાનિક ગ્રામ પંચાયતના સહયોગથી તાલુકાકક્ષાની પશુપાલન શિબિર આણંદસર ગામે યોજવામાં આવી હતી. આ શિબિરમાં 300થી વધુ પશુપાલકોએ ઉપસ્થિત રહી પશુપાલન અંગેની અદ્યતન જાણકારી મેળવી હતી. શિબિરના ઉદ્ઘાટા ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યએ દીપ પ્રાગટય કરી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો. તેમણે સ્થળ પર આયોજિત પશુપાલન શાખા તેમજ સરહદ ડેરીના પ્રદર્શન સ્ટોલની મુલાકાત લઈ દૂધ દોહવાના મશીન, દૂધ મંડળી ખાતેના દૂધ એકત્રીકરણ મશીન વ.ની માહિતી મેળવી હતી. તેમજ પશુપાલકોને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા સાથે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું. જિલ્લા પશુપાલન અધિકારી ડો. બ્રહ્મક્ષત્રિયએ રાષ્ટ્રીય તેમજ વૈશ્વિક કક્ષાએ પશુપાલન ઉદ્યોગમાં થઈ રહેલા ફેરફારો અંગેની માહિતી આપી હતી. પશુપાલન વિભાગના તબીબો ડો. હરેશ ઠક્કર, ડો. રામાણી, ડો. હિતેશ પટેલ, ડો. વિરપારી, ડો. નાથાણી, ડો. મિતુલ ઠાકર, ડો. મમતા પંડયા, ડો. વિજય ત્રિવેદી, ડો. વિધિ જોશી, સરહદ ડેરીના ડો. લાલાણી તેમજ પશુધન નિરીક્ષક ગામેતીભાઈ અને અજિતભાઈએ પશુપાલકોને માર્ગદર્શન આપ્યું હતું. પશુ તબીબોએ પશુપાલકોને પશુ આરોગ્ય, પશુ માવજત, રોગચાળા, સરકારની સહાય યોજનાઓ જેવા વિષયો અંગે માહિતી આપી હતી. પશુપાલન સાહિત્યની કિટ પશુપાલકોને અપાઈ હતી. તાલુકા પંચાયતના હિતેશ ખંડોર, આગેવાન કાનજીભાઈ કાપડી, મહેન્દ્રભાઈ ગઢવી, ધનજીભાઈ ભુવા, નરેન્દ્રસિંહ જાડેજા વગેરે હાજર રહ્યા હતા. ગામના સરપંચ શાંતિલાલભાઈ ભાવાણીએ શિબિરનું આયોજન તેમજ આભારવિધિ કર્યા હતા. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer