મતગણતરી માટેની વ્યવસ્થાને આખરી ઓપ

મતગણતરી માટેની વ્યવસ્થાને આખરી ઓપ
ભુજ, તા. 15 : સમગ્ર  ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ એકાદ મહિના સુધી ચાલ્યા બાદ ગત 9મીએ મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ જતાં કચ્છની છ બેઠકોના 80 ઉમેદવારોનાં ભાવિ ઈ.વી.એમ.માં સીલ થઈ ચૂક્યાં છે અને હવે નજર છે મતગણતરી ઉપર. ભુજની ઈજનેરી કોલેજમાં મતગણતરીની પ્રક્રિયા સોમવારે શરૂ થવાની છે ત્યારે આખીય ઈજનેરી કોલેજની કેવી છે વ્યવસ્થા તે જાણીએ. ચુસ્ત બંદોબસ્ત હેઠળ શરૂ થનારી મતગણતરીની શરૂઆત વહેલી સવારે પાંચ વાગ્યાથી થવાની છે. છ બેઠકો પર 14 ટેબલ મુજબ ઈ.વી.એમ. લઈ આવવાથી માંડી કાઉન્ટિંગ વગેરે શરૂ થશે એવું જિલ્લા ચૂંટણીતંત્ર પાસેથી જાણવા મળ્યું છે. નાયબ ચૂંટણી અધિકારી એમ.કે. જોશીના જણાવ્યા પ્રમાણે, ઈ.વી.એમ.ના મતોથી   પહેલાં પોસ્ટલ બેલેટ, સર્વિસ વોટર અને પોલિંગ સ્ટાફના મતોની ગણતરી કરવામાં આવનાર છે. આ વખતે 18મીએ સવારે છ વાગ્યા સુધી આવનારા પોસ્ટલ બેલેટના મતોની ગણતરી કરવામાં આવશે; તો અત્યારે અંદાજિત 5310, પોસ્ટલ બેલેટ વોટ છે, જ્યારે 321 સર્વિસ વોટર અને અંદાજિત 4 હજાર જેટલા પોલિંગ સ્ટાફના વોટનો સમાવેશ થાય છે. એક બેઠક દીઠ 14 ટેબલ ગોઠવાશે, જેના પર 100 જેટલા મળીને સુરક્ષા જવાનો સહિતનો એક હજારનો સ્ટાફ મતગણતરી માટે રોકવામાં આવ્યો છે એમ તેમણે કહ્યું હતું. ટેબલ સ્ટાફ, પટાવાળા, કાઉન્ટિંગ સુપરવાઇઝર, આસિ. માઇક્રો ઓબ્ઝર્વર ઉપર ચૂંટણીના ઓબ્ઝર્વર નજર રાખશે, સાથે દરેક બેઠકના આર.ઓ. તો હાજર હશે. દરેક મશીનના મત ગણી લેવાયા પછી તેનું સીલિંગ કરવાની વ્યવસ્થા અલગ સ્ટાફ દ્વારા કરવામાં આવશે. રાઉન્ડ કેટલા હશે એ સવાલ સાથે શ્રી જોશીએ જણાવ્યું હતું કે, દરેક બેઠકના રાઉન્ડ અલગ- અલગ હશે, કારણ કે રાઉન્ડ બૂથ મુજબ કરવામાં આવશે. 14 ટેબલ સામે બૂથ એમ રાઉન્ડની ગણતરી હાથ ધરવામાં આવશે. મતગણતરીના સ્થળે કોને પ્રવેશ મળશે એ બાબતે પ્રકાશ?પાડતાં તેમણે જણાવ્યું હતું કે, ઉમેદવાર, તેની સાથે ચૂંટણી એજન્ટ અને એક ઉમેદવારની સાથે 14 કાઉન્ટિંગ એજન્ટને પ્રવેશ મળશે, ઉપરાંત અધિકારી, ગણતરી સ્ટાફ અને ચૂંટણીપંચે કાર્ડ ઇશ્યુ કર્યા છે એવા મીડિયાના કર્મચારીઓ આવી શકશે. ઇજનેરી કોલેજ સંકુલમાં ત્રણસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોલેજના મુખ્ય પ્રવેશદ્વારથી પ્રવેશ નિષેધ છે. જેઓને મતગણતરીના પ્રવેશ પાસ આપવામાં આવ્યા છે તેઓને મુખ્ય પ્રવેશદ્વારથી આગળના રસ્તે જે પાછલો ગેટ છે ત્યાંથી આવવાનું રહેશે. ત્યાં જ અંદરના ભાગમાં પાર્કિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પ્રવેશ પાસવાળાને પ્રવેશ અપાયા પછી ચૂંટણીતંત્ર તરફથી ગણતરીના મથકે બસની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાંથી 100 મીટરના દાયરામાં દરેકને ચાલીને જવું પડશે. માત્ર ઓબ્ઝર્વર, કલેક્ટર અને એસ.પી.ની કાર જઇ શકશે. સુરક્ષા વ્યવસ્થામાં બે  પોલીસ વડાની નિગરાની  હેઠળ પોલીસ અને અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે અને રાઉન્ડ મુજબ લાઉડ સ્પીકર પરથી જાણકારી અપાતી રહેશે.

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer