ઠંડીના મોજાંથી થરથર્યું કચ્છ

ઠંડીના મોજાંથી થરથર્યું કચ્છ
નલિયા/ભુજ, તા. 15 : તડકાને તપવાની તક ન આપતાં ટાઢાબોળ પવનોનાં પગલે કચ્છી જનજીવન શુક્રવારે સર્વત્ર ડંખીલા ઠારથી થરથર્યું હતું. સમગ્ર રાજ્યમાં સૌથી શીતળ સ્થળ બની રહેલા નલિયામાં 8.4 ડિગ્રી સેલ્શિયસ સાથે કાળા માથાના માનવીથી માંડીને પશુ-પંખી સહિત સમગ્ર જીવસૃષ્ટિ કોલ્ડવેવથી પરેશાન થઈ હતી. રાજ્યના હવામાન તંત્ર તરફથી ગઈકાલે ગુરુવારે અપાયેલા વર્તારાને સાવ સાચો પાડતાં પવનપ્રેરિત ઠારના કારણે જનજીવનની ગતિમાં શિથિલતા વ્યાપી ગઈ હતી. કાનમાં પવન જતાં માથામાં સટકા પડે તેવી તીવ્ર ટાઢે ખાસ નબળા, અશક્ત, શ્વાસ, દમની તકલીફો ધરાવતા બીમાર, વડીલો માટે ભારે મુસીબત સર્જી છે. જિલ્લા મથક ભુજમાં આજે 9.8 ડિગ્રી સાથે કલાકના આઠ કિલોમીટરની ઝડપે ઓતરાદા પવનોએ પરેશાની સર્જી હતી. સવારે ઠંડા પવન સાથે ભેજના 95 ટકા જેટલા ઊંચા પ્રમાણના પગલે માથું દુ:ખવું, શરીર જકડાઈ જવા જેવી તકલીફો થઈ પડી હતી. ખાસ તો કાચી ઝૂંપડપટ્ટીમાં રહેતા શ્રમજીવી પરિવારો, વહેલા ઊઠીને કે મોડી રાત સુધી પેટિયું રળવાની લાચારી વેઠતા શ્રમિકો, ફકીરોની કાતિલ ઠારે કફોડી હાલત કરી હતી. ખાવડામાં 12 ડિગ્રી સેલ્સિયશ સાથે સૂસવાટા મારતા પવનોના પગલે રણકાંધીના ગામડાં પણ ઠંડીમાં ઠૂંઠવાયાં હતાં. વાગડ પંથક, પાવરપટ્ટી, આહીરપટ્ટી, કાંઠાળ ભાગો, માકપટ્ટ પંથક સહિત કચ્છભરમાં આજે ટાઢે જણેજણની કપરી કસોટી કરી નાખી હતી.

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer