કચ્છીઓની દિલેરી સૌ કોઈ માટે પ્રેરણાદાયી

કચ્છીઓની દિલેરી સૌ કોઈ માટે પ્રેરણાદાયી
વસંત પટેલ દ્વારા કેરા, (તા. ભુજ), તા. 15 : કચ્છમાં માતુશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના માધ્યમે પંદર વર્ષમાં 20 લાખ દર્દીઓને નિરામય જીવનમાં નિમિત્ત બનનાર દાતાઓ દ્વારા અ'વાદ ખાતે 20 કરોડ રૂપિયાના ઐતિહાસિક પ્રદાનના બળે સર્જિત હોસ્પિટલનું તાજેતરમાં વડાપ્રધાન શ્રી મોદીના હસ્તે ઉદ્ઘાટન થયું હતું. આ પ્રસંગે વિદેશવાસી કચ્છીઓનું ખાસ સન્માન કરતાં શ્રી મોદીએ કહ્યું કે, કચ્છીઓની  દિલેરી સૌ કોઈ માટે પ્રેરક છે. છારોડી ગુરુકુળ તરીકે ઓળખાતા સ્વામિનારાયણ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (એસ.જી.વી.પી.) અ'વાદ દ્વારા અક્ષરવાસી સંત જોગી સ્વામી હરિપ્રકાશદાસજીની સ્મૃતિમાં તેમના સંત શિષ્યોએ એલોપેથી, આયુર્વેદ, હોમિયોપેથી અને કુદરતી ઉપચાર પદ્ધતિઓની એકછત્રે સમન્વય સમી હોલીસ્ટિક પદ્ધતિની હોસ્પિટલનું નિર્માણ કર્યું છે. 200 બેડની સાત મજલા, દોઢ લાખ ચોરસ ફૂટના આ દવાખાનાના નિર્માણમાં ગુરુકુળના દેશ-વિદેશવાસી અનુયાયીઓ ઉપરાંત સૌથી વધુ વીસેક કરોડ રૂપિયાનો સિંહાફળો કચ્છી દાતાઓનો છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિશ્વાસ ધરાવતા આ કચ્છી લેવા પટેલ દાતાઓમાં શિરમોર મૂળ ફોટડીના મોમ્બાસા નિવાસી કેશવલાલ પ્રેમજી ભુડિયા અને કાનજી પ્રેમજી ભુડિયા પરિવાર છે. બંને સ્વર્ગસ્થ બંધુઓ વતી પૌત્ર સૂરજ અરવિંદ ભુડિયા અને જમાઈ રમેશભાઈ વરસાણી મહિલા વિભાગમાં રતનબેન કેશવલાલ ભુડિયાનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સન્માન થયું ત્યારે વૈશ્વિક સેવાકાર્યોના પોંખણા થયાનો ભાવ વ્યક્ત થયો હતો. સૂર્યા વરસાણી એકેડેમીના અધ્યક્ષ વિશ્રામભાઈ જાદવા વરસાણી (ભારાસર) (સિસલ્સ વિજય કંપની), કે.કે. પટેલ (કે સોલ્ટ-મીઠા ઉદ્યોગપતિ), દેવશી પરબત હીરાણી (મસ્કત-ભારાસર)નું ઋણ સ્વીકાર  શિલ્ડ, શાલ અને ચંદ્રકથી વિશેષ સન્માન જ્યારે હાજર ન રહી શકેલા હીરક દાનવીર આર.ડી. વરસાણી (એપ્કો)ની જાહેર નોંધ લેવાઈ હતી.  આ પ્રસંગે કે.કે. પટેલને વડાપ્રધાને કહ્યું, કેન્યા પ્રવાસ વખતે કચ્છીઓની પરોણાગત ક્યારેય ભૂલાશે નહીં. પૂર્વ આફ્રિકાના વિકાસમાં કચ્છીઓની ભૂમિકાને પણ શ્રી મોદીએ વાતચીતમાં વણી હતી. સહયોગી દાતાઓ પૈકી પરબત લાલજી પિંડોરિયા, રવજી ગોવિંદ વરસાણી, કુંવરજી દેવજી નારદાણી, મૂરજી અરજણ હાલાઈ, મૂરજી નાથાલાલ વરસાણી, ભીમજી ગોપાલ વરસાણી, દેવશી ધનજી વેકરિયા પરિવાર, પ્રેમજી લાલજી વરસાણી સહિત અન્ય દાતાઓએ નોંધપાત્ર સહયોગ આપ્યો હતો. આ પ્રસંગે કચ્છી લેવા પટેલ સમાજના આર્ષદૃષ્ટા મોભી આર.આર. પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ હોસ્પિટલના નિર્માણમાં તેમની દૃષ્ટિ અને સહયોગની સંત શક્તિએ નોંધ લીધી હતી. યુ.કે. કોમ્યુનિટીના પેટ્રોન શશિકાંતભાઈ વેકરિયા, ટ્રસ્ટી વિનોદભાઈ હરિભાઈ હાલાઈ (સૂરજપર-લંડન) ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer