સંશોધનાત્મક સાહિત્ય ક્ષેત્રે આજીવન પ્રદાન બદલ પાંચ કચ્છીનું સન્માન

સંશોધનાત્મક સાહિત્ય ક્ષેત્રે આજીવન પ્રદાન બદલ પાંચ કચ્છીનું સન્માન
મુંબઈ, તા. 15 : તારામતી વિસનજી ગાલા સાહિત્ય-કલા પુરસ્કાર-2017 એનાયત કરવાનો સમારંભ તાજેતરમાં મુંબઈમાં ઘાટકોપર ખાતે સુજ્ઞ કલા સાહિત્યના રસિકજનોની બહોળી ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ વર્ષના પાંચેય સન્માનિતો કચ્છથી ઉપસ્થિત રહ્યા હતા. સંશોધનાત્મક સાહિત્ય ક્ષેત્રે આજીવન પ્રદાન બદલ ભુજના ઉમિયાશંકર અજાણી, કચ્છી સાહિત્યક્ષેત્રે આજીવન પ્રદાન માટે  નલિયાના હરેશ દરજી `કસભી', ચિત્રકલા ક્ષેત્રે આજીવન પ્રદાન માટે ભુજના નવીન સોની, લોકગાયકી ક્ષેત્રે આજીવન પ્રદાન માટે જનાણ (ખડીર)ના મુરા લાલા, ભજન ગાયકી ક્ષેત્રે આજીવન પ્રદાન બદલ મૂળ  ખાવડા, હાલે ભુજના અરવિંદ ઠક્કરનું સન્માન, પ્રત્યેક સન્માનપત્ર સાથે રૂા. 11,000નો ચેક અર્પણ કરાયો હતો. સન્માનવિધિ બાદ પ્રત્યેક સર્જકે પોતાની સર્જન પ્રક્રિયા વિશે સમજ આપી હતી. ઉમિયાશંકરભાઈના પરિવારે આ સન્માનના પ્રત્યુત્તરમાં રૂા. 1 લાખ ઉપરની રકમ ઉમેરીને કચ્છમાં આ પ્રકારના પુરસ્કાર માટે ટ્રસ્ટ બનાવવાની ઘોષણા કરી હતી. `કસભી'એ સ્વલિખિત કાવ્યોનું પઠન કર્યું હતું. શ્રી સોનીએ સ્લાઈડ સાથે કલા-સર્જનની ઝાંખી કરાવી હતી. મુરા લાલાએ લોક ગાયકીની બુલંદીનો અને અરવિંદ ઠક્કરે કચ્છી ભજન ગાયકીના અસલી મિજાજનો પરિચય કરાવ્યો હતો. છેલ્લા 15 વર્ષથી સતત અપાતા આ પુરસ્કારના પ્રણેતા તારામતી વિશનજી ગાલા પરિવારના વિશનજી હરશી ગાલા ઉપરાંત માધવ જોષી `અશ્ક', ડો. વિશન નાગડા, ડો. માધુરી છેડા અને લક્ષ્મીચંદ ગોગરીની બનેલી પુરસ્કાર સમિતિએ પસંદગીથી લઈને અંત સુધી આયોજનની કામગીરી પાર પાડી હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer