20મીના આઈ સોનલ મા જન્મોત્સવની દેશ-વિદેશમાં ઉજવણી

20મીના આઈ સોનલ મા જન્મોત્સવની દેશ-વિદેશમાં ઉજવણી
કાઠડા (તા. માંડવી), તા. 15 : ચારણ સમાજના ઈષ્ટદેવી આઈ તત્વની ચેતના  સોનબાઈમાની બીજ એટલે કે ગઢવી સમાજના નૂતન વર્ષની ઉજવણી આગામી 20મી ડિસેમ્બરના દેશ-વિદેશમાં વસતા ચારણ અને માહીભકતો દ્વારા કરાશે.  આ અંતર્ગત માંડવી ખાતે સવારે 8.30 કલાકે કુમાર છાત્રાલયથી શોભાયાત્રા નીકળશે. જે  લક્ષ્મણ રાગ નવી ચારણ બોર્ડિંગ ખાતે સ્ટેજ કાર્યક્રમમાં ફેરવાશે. જ્યાં સ્વાગત બાદ આઈ ગંગામા તથા નાની બાલિકાઓ દ્વારા દીપ પ્રાગટય બાદ માતૃવંદના, સંતવંદના, તથા આર્શીવચનો અને ધાર્મિક ઉદ્બોધન બાદ સવારે 11 કલાકે કવિ આશાનંદભાઈ ગઢવી લિખિત `કચ્છના ચારણ કવિઓ' પુસ્તકનું વિમોચન અને સંપાદક વાલજીભાઈ ગઢવી અને અન્યો દ્વારા ચારણતિથિ કેલેન્ડરનું વિમોચન, પ્રતિભાવો શૈક્ષણિક સન્માન, સહયોગી દાતાઓ અને રમત-ગમત ક્ષેત્રે ચમકતા યુવાઓના સન્માન સાથે ચારણ સમાજના ભારતીય સેનામાં ફરજ બજાવતા તથા નિવૃત્ત સૈનિકોનો સન્માન કાર્યક્રમ યોજાશે. જેમાં ગામે ગામના ચારણ ફોજી યુવાન પણ જોડાશે. મધ્યાંતર બાદ બીજા સત્રમાં દાંડિયારાસ - રાસ ગરબામાં ખીમરાજભાઈ ગઢવી, મોહનભાઈ ગઢવી, દેવલબેન ગઢવી સહિતના રાસ કલાકારો પણ જોડાશે. રાત્રે સ્વ. રામભાઈ કરમણભાઈ ગીલવા ચેરિ. ટ્રસ્ટના સૌજન્યથી સંતવાણીમાં દેવરાજભાઈ ગઢવી (નાનો ડેરો) , લક્ષ્મણભાઈ બારોટ, વગેરે કલાકારો રહેશે તેવું ચારણ સ. પ્રમુખ વિજયભાઈ ગઢવી તથા સોનલબીજ ઉત્સવ સમિતિ પ્રમુખ કાનજીભાઈ ગઢવીની યાદીમાં જણાવાયું છે.  સોનલધામ કાઠડા ખાતે વહેલી સવારે આરતી તથા બપોરે 3 કલાકે આવકાર ગીત, દીપ પ્રાગટય બાદ શૈક્ષણિક સન્માન તથા ધાર્મિક ઉદ્બોધન તથા સ્થાનિક કલાકારો દ્વારા રાસ ગરબા, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોથી ઉજવણી થશે તેવું સોનલધામ અધ્યક્ષ જાદવજીભાઈ ગઢવીએ જણાવ્યું હતું. સામાજિક સંગઠન, સામાજિક એકતા તથા ચારણ એક ધારણ નું સૂત્રને સાર્થક કરવા અંજાર, આદિપુર, ગાંધીધામ ચારણ સમાજ દ્વારા તા. 19ના બપોરે 3 કલાકે મહારેલીનું આયોજન અંજાર સોનલધામથી શરૂ થઈ ગાંધીધામ પહોંચશે જેમાં ચારણ પહેરવેશ સાથે વ્યસનમુક્ત બનવા અપીલ કરાશે. જ્યારે તા. 20ના આદિપુર ખાતે સવારે 10 કલાકે સરસ્વતી સન્માન,  મધ્યાંતર પછી ગોપાલ ગઢવી તથા  કરશનભા ગઢવી એન્ડ પાર્ટી (આદિપુર) દ્વારા રાસ ગરબા,  સાંજે મહાઆરતી બાદ રાત્રે પુનશી ગઢવી, શૈલેશ મારાજ સહિતના કલાકારો દ્વારા સંતવાણી યોજાશે.  તેવું આદિપુર ચા. સ.પ્રમુખ શિવરાજભાઈ ગઢવી જણાવ્યું હતું. મુંબઈ (મહારાષ્ટ્ર) ખાતે સોનલબીજની પૂર્વ સંધ્યાએ તા. 19 મીના રાત્રે સાસ્વત વાડી ખાતે હરિભાઈ ગઢવી, રાજેશ્વરીબેન ગઢવી, ગોવિન્દ ગઢવી, મોરારદાન ગઢવી વિ. કલાકારો દ્વારા સંતવાણી તથા બીજા દિવસે વહેલી સવારે મુલુન્ડ મુંબઈ ખાતે શોભાયાત્રા તથા સામાજિક ઉદ્બોધન, શૈક્ષણિક સન્માન, આરતી સહિતના કાર્યક્રમોથી ઉજવણી કરાશે તેવું મુંબઈ ચા. સ. પ્રમુખ વાલજીભાઈ ગઢવીએ જણાવ્યું હતું. ઈસ્લામિક દેશ મસ્કત (ઓમાન) ખાતે બરખાવાડી ખાતે તા. 20 મીના સવારે મહાઆરતી, હવનવિધિ,  રાસ ગરબા, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો થશે તેવું મસ્કત ખાતેથી શંભુભાઈ ગઢવી જણાવ્યું હતું.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer