જિલ્લામાં આપઘાત અકસ્માતમાં ચારનાં મોત

ગાંધીધામ, તા. 15 : દીનદયાળ પોર્ટ ઉપર ડમ્પરનો ચાલક એવો રવિકુમાર ભગવાનરાય યાદવ (ઉ.વ.18) નામનો યુવાન અજાણ્યા વાહનની હડફેટે ચડતાં તેનું મોત થયું હતું. બીજી બાજુ ગાંધીધામના બેન્કિંગ વિસ્તારમાં સેન્ટ્રીંગ કામ કરતી વેળાએ લાકડાનો થાંભલો માથે પડતાં સતાપરના બાબુ રાઘા ડાંગર (ઉ.વ. 33) નામના યુવાને જીવ ખોવાનો વારો આવ્યો હતો. તો શહેરના સેકટર-5માં રાકેશ માવજી પ્રજાપતિ (ઉ.વ. 25) નામના યુવાને પત્નીના વિયોગમાં ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું તથા ભુજના કેરામાં અગાઉ દાઝી જનાર ખુશ્બૂબેન સુનીલ મહેશ્વરી (ઉ.વ. 35)એ સારવાર દરમ્યાન આંખો મીંચી લીધી હતી. દીનદયાળ પોર્ટ ઉપર આજે વહેલી પરોઢે ગોદામ નંબર 7ની સામે પ્લોટ નંબર 37માં હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. રાધેશ્યામ હેન્ડલિંગનું ડમ્પર નંબર જી.જે.12-ઝેડ-2417 ચલાવનાર રવિકુમાર નામનો યુવાન સવારે આ?પ્લોટમાં માલ ભરવા ગયો હતો. આ વાહન લોડિંગ થતું હતું ત્યારે યુવાન ચાલક લઘુશંકા કરવા જતાં કોઈ અજાણ્યા વાહનની હડફેટે ચડતાં તેનું માથું છુંદાઈ ગયું હતું. તેને સારવાર અર્થે ખેસડાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ અજાણ્યું વાહન કોનું છે અને તેનો ચાલક કોણ હતો તેની તપાસ પોલીસે હાથ ધરી છે. બીજી બાજુ ગાંધીધામના બેન્કિંગ વિસ્તારમાં આવેલી કો-ઓપરેટિવ બેન્ક નજીક પ્લોટ નંબર 299માં અપમૃત્યુનો બનાવ બન્યો હતો. નવા બનતા બિલ્ડિંગમાં બાબુ ડાંગર નામનો યુવાન સેન્ટ્રીંગ કામ કરી રહ્યો હતો દરમ્યાન અકસ્માતે લાકડું તેના માથા ઉપર પડતાં તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી જેમાં તેનું મોત થયું હતું. તેમજ શહેરના સેકટર-5માં પ્લોટ નંબર 182માં રહેતા રાકેશ પ્રજાપતિએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ઝોનમાં કામ કરનાર આ યુવાને ત્રણેક વર્ષ અગાઉ ભરૂચની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તેમના દામ્પત્યજીવનમાં એક બાળકીનો જન્મ થયો હતો. દરમ્યાન કોઈ કારણોસર આ યુવતી પોતાની બાળકીને લઈને ચારેક માસ પહેલાં પોતાના માવિત્રે ચાલી  ગઈ હતી. અનેક પ્રયત્નો છતાં તે પરત ન આવતાં યુવાનને લાગી આવ્યું હતું અને તેણે પોતાના મકાનમાં પંખામાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. કેરા ગામમાં ગત તા. 2/12ના ખુશ્બૂબેન નામની પરિણીતા પોતાના ઘરે અકસ્માતે દાઝી ગઈ હતી. તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં સારવાર દરમ્યાન તેણે ગઈકાલે રાત્રે આંખો મીંચી લીધી હતી.

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer