ગાંધીધામમાં કિશોરને મરવા મજબૂર કરનાર આરોપીઓના જામીન નકારાયા

ગાંધીધામ, તા. 15 : શહેરના સુંદરપુરી વિસ્તારમાં એક કિશોરને મરવા મજબૂર કરવાના બનાવમાં બે આરોપીઓના આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી તેમજ અંજારના રામપરમાં જમીન પચાવી પાડવાના બનાવમાં પણ ચાર આરોપીઓના રેગ્યુલર જામીન નકારી દેવામાં આવ્યા હતા. આ બનાવની વિગત મુજબ સુંદરપુરીના જશોદાબેન દેવરાજ મહેશ્વરીએ ગણેશનગરના કિશોર સુમાર ડુંગરિયા અને પ્રકાશ પૂનમ ડુંગરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદીના પુત્ર રોહિત અને આરોપીઓની બેન વચ્ચે પ્રેમસંબંધ હતો. જે અંગે આરોપીઓને જાણ થતાં આ કિશોર એવા રોહિતને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી આ હતભાગી કિશોર ઘરથી બહાર નીકળતો નહોતો તેમજ શાળાએ પણ જતો નહોતો. દરમ્યાન તેણે ગત તા. 10/9ના પોતાના ઘરે આપઘાત કરી લીધો હતો. આ અંગે પોલીસ મથકે ફરિયાદ બાદ આરોપીઓએ અધિક સેશન્સ કોર્ટમાં ન્યાયાધીશ શ્રી દેવધરા સમક્ષ આગોતરા જામીન અરજી કરી હતી પરંતુ ન્યાયાધીશે બંનેની અરજી ફગાવી દીધી હતી. તેમજ રામપર તુણામાં જમીન પચાવી પાડવાના પ્રકરણમાં અજિતસિંહ કરણસિંહ ઝાલા, કૌશિક કાંતિલાલ મોચી, ભરત લાધુરામ ગોસ્વામી અને રાહુલસિંહ આધુભા ડોડિયા વિરુદ્ધ શંભુલાલ ચૈયાએ ફરિયાદ કરી હતી. જે અંગે આરોપીઓની અટક કરવામાં આવી હતી. આ શખ્સોએ અધિક સેશન્સ કોર્ટમાં ન્યાયાધીશ વી. એ. બુદ્ધા સમક્ષ રેગ્યુલર જામીન અરજી કરી હતી. ન્યાયાધીશે આ તમામ આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી. આ બંને કેસમાં સરકારી વકીલ તરીકે એ.પી.પી. કુ. હિતેશીબેન ગઢવી હાજર રહ્યા હતા. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer