ગાંધીધામમાં મંજૂરી વિના રસ્તો બનાવવા મામલે સદસ્યને નોટિસ

ગાંધીધામ, તા. 15 : શહેરના 10 એએ વોર્ડમાં મંજૂર રોડની સંખ્યા કરતાં વધુ રોડ બનાવવા મામલે કોંગ્રેસ દ્વારા આચારસંહિતા ભંગની ફરિયાદ કરાયા બાદ ગાંધીધામ નગરપાલિકા દ્વારા કોન્ટ્રેક્ટરને નોટિસ ફટકારી  આ અંગે જવાબ આપવા તાકીદ કરાઇ છે. દરમ્યાન આ ફરિયાદ સંદર્ભે મામલતદારે પણ સુધરાઇને નોટિસ આપી હતી. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ વોર્ડ 10 એએ વિસ્તારમાં 3 આંતરિક રોડ બનાવવાની મંજૂરી મળી હતી. પરંતુ પ્રજાને ચૂંટણીલક્ષી પ્રલોભન આપવા પ્લોટ 92વાળી લાઇનમાં 4/12થી 9/12 સુધીમાં વધુ એક એટલે કે ચોથો રોડ બનાવી દેવાયો હતો. આચારસંહિતા હોવા છતાંય નગરપાલિકા દ્વારા ઠરાવ કે વર્કઓર્ડર વિના રોડ બનાવી આચારસંહિતાનો ભંગ કરાયો હોવાની ફરિયાદ કોંગ્રેસ દ્વારા ચૂંટણી શાખામાં કરાઇ હતી. આ મામલે ગાંધીધામ નગરપાલિકાને  મામલતદાર દ્વારા નોટિસ આપવામાં આવી છે અને આ ફરિયાદ અંગે તપાસ કરવા તાકીદ કરી છે. દરમ્યાન નગરપાલિકા દ્વારા આ મામલે કોન્ટ્રેક્ટર હીરજી ભારમલ ધેડાને  નોટિસ ફટકારી છે અને કોની મંજૂરીથી ચોથો રોડ બનાવ્યો તેનો ત્રણ દિવસમાં ખુલાસો કરવા જણાવાયું છે. હવે આગામી દિવસોમાં આ પ્રકરણમાં શું કાર્યવાહી થાય?છે, તેના પર સૌ કોઇની નજર મંડાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી જાહેર થયા બાદ મતદાન પૂરું થયું ત્યાર સુધીના સમયગાળામાં ગાંધીધામ વિધાનસભા બેઠક પર આચારસંહિતા ભંગની પ્રથમ લેખિત ફરિયાદ તંત્ર સમક્ષ થઇ છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer