ભારાપરની કંપની વિરુદ્ધ ત્વરિત પગલાં લેવા ગ્રામજનોની માંગ

ગાંધીધામ, તા. 14 : તાલુકાના ભારાપરમાં આવેલી એક ખાનગી કંપની દ્વારા તમામ નીતિનિયમોને નેવે મૂકીને પ્રદૂષણ ઓકવામાં આવી રહ્યું છે, આ અંગે અનેક રજૂઆતો છતાં તંત્રોના પેટનું પાણી હલતું નથી, આ પ્રકરણમાં હાઈકોર્ટમાં જવાની ગ્રામજનોએ ચીમકી આપી હતી. ભારાપર પાસે આવેલી રેણુકા સુગર લિમિટેડ નામની કંપની છેલ્લા કેટલાક વર્ષોથી અવાજ, હવા પ્રદૂષણ વાતાવરણમાં છોડી રહી છે, આ અંગે ગ્રામજનોએ અગાઉ અનેક વખત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, તાલુકા પંચાયત વગેરે તમામ તંત્રોને લેખિત, મૌખિક રજૂઆતો કરી છે, પરંતુ આ અંગે તંત્રો ગમે તે કારણે ઉદાસીન રહ્યા છે. આવી ફરિયાદો અંગે તંત્રએ શું કાર્યવાહી કરી છે તે પણ ગ્રામજનોને જણાવાતું નથી, કંપની દ્વારા ઓકવામાં આવતા આ પ્રદૂષણના કારણે ગ્રામજનો બિમારીઓમાં સપડાઈ રહ્યા છે. જો આ અંગે એક મહિનામાં સખ્ત પગલાં ભરવામાં નહીં આવે તો હાઈકોર્ટમાં જવાની ચીમકી તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ઈકબાલ હુશેન ચાવડાએ આપી હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer