શિકારપુર નજીક રિક્ષામાં લઈ જવાતો 42 હજારનો અંગ્રેજી દારૂ ઝડપી પડાયો

ગાંધીધામ, તા.15 : ભચાઉ તાલુકાના શિકારપુર નજીક મીઠાના અગર પાસે માર્ગ પર પસાર થતી રિક્ષામાંથી પોલીસે રૂા. 41,550નો શરાબ જપ્ત કર્યો હતો. પરંતુ બે શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા. બીજી બાજુ ગાંધીધામના કાર્ગો એકતા નગરમાંથી 3 શખ્સો પાસેથી રૂા. 27,400નો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો.  શિકારપુર નજીક મીઠાના અગર પાસે પોલીસે પૂર્વ બાતમીના આધારે વોચ ગોઠવી હતી. દરમ્યાન ચેરાવારી વાંઢ બાજુથી આવતા રિક્ષા નંબર જીજે 03 એ.ઝેડ. 2530ને રોકાવતાં તેમાં સવાર શેરો હારા કટીયા અને પલ્લો દિલુ જેઠા નામના શખ્સો પોલીસેને જોઈ રિક્ષા મૂકી નાસી ગયા હતા. દરમ્યાન પોલીસે આ રિક્ષામાંથી 750 એમ.એલ.ની 109 અને 180 એમ.એલ.ની 88 એમ કુલ રૂા. 41,500નો શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો. દારૂનો આ જથ્થો ચેરાવારી વાંઢથી માળીયા બાજુ જતો હોવાનું પોલીસે કહ્યું હતુ. આ દરોડામાં ભરતભાઈ જાદવ, શૈલેશ જેઠવા, ચંદ્રકાન્ત ભાટીયા, હેતુભા ભાટી વગેરે જોડાયા હતા.  બીજી બાજુ ગાંધીધામના કાર્ગો એકતા નગર વિસ્તારમાં પોલીસે છાપો માર્યો હતો. આ દરોડા દરમ્યાન કિશન શિવા બારોટ, છગન બીજલ મેરીયા અને મોહન ઉર્ફે મનીયો અમરા રાઠોડ નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સો પાસેથી 180 એમ.એલ.ના 274 ક્વાર્ટરીયા કિંમત રૂા. 27,400નો શરાબ જપ્ત કરવામાં આવ્યો હતો.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer