દેશનો મૂડ ભાજપ તરફી, ગુજરાત તેમાંથી બાકાત નહીં રહે

દેશનો મૂડ ભાજપ તરફી, ગુજરાત તેમાંથી બાકાત નહીં રહે
 ગાંધીનગર, તા. 6 : ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એમના ટૂંકા શાસનમાં ઘણા મહત્ત્વના નિર્ણયો લીધા છે, એ પહેલા જૈન મુખ્યમંત્રી છે. એ એબીવીપીના કાર્યકર્તાથી માંડી રાજકોટના મેયરથી મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચ્યા છે. ભાજપના સંગઠનમાં એમનું મહત્ત્વનું સ્થાન રહ્યું છે. હજુ હમણા સુધી એ દર ચૂંટણીમાં સૌરાષ્ટ્રના ચૂંટણી ઇન્ચાર્જ રહેતા હતા પણ મુખ્યમંત્રી હોવાથી એ રાજ્યભરના પ્રવાસ કરી રહ્યા છે. એમના બહુ વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે એમના ગાંધીનગરના નિવાસે એમણે જન્મભૂમિ જૂથના પત્રોને  લાંબી મુલાકાત આપી ગુજરાતના વિકાસથી માંડી કોંગ્રેસની ગુજરાત વિરોધી નીતિ મુદ્દે વાતો કરી હતી. એમણે એવું જણાવ્યું કે, દેશભરની જનતાનો મૂડ ભાજપ તરફી છે અને ગુજરાત પણ એ જ રસ્તે છે, અમે જંગી બહુમતીથી જીતી જઈશું. એમની મુલાકાતના અંશો :   પ્રશ્ન : તમે પક્ષના મહામંત્રી હતા ને આજે મુખ્યમંત્રી છો, ગુજરાતમાં નરેન્દ્ર મોદીની ગેરહાજરી છે. 2012 અને 2017માં એ ફર્ક છે, એને તમે કઈ રીતે જુઓ છો?   રૂપાણી : નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં આ ચૂંટણી થઇ રહી છે અને મોદી આજે વડાપ્રધાન છે એટલે ગુજરાતની ચૂંટણીનું મહત્ત્વ વધ્યું છે. મુખ્યમંત્રી તરીકે મારા માટે પણ આ પહેલી ચૂંટણી છે. મારી જવાબદારીઓ પણ વધી છે. કારણ કે પહેલાં હું માત્ર સંગઠનની જવાબદારી નિભાવતો હતો અને આજે સરકાર પણ સંભાળું છું. પણ ભાજપનો દેશમાં વ્યાપ વધતો જ જાય છે. ભાજપ સર્વસ્વીકાર્ય છે અને કોંગ્રેસના પણ ઘણા લોકો એવું માને છે કે, સરકાર તો અમારી જ બનશે, એટલે અમારે મહેનત 150 બેઠક માટે કરવાની છે.   પ્રશ્ન : પણ 22 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે એટલે એન્ટિઇન્કમબન્સીનું ફેક્ટર કેટલું નડશે?   રૂપાણી : એન્ટિઇન્કમબન્સીનું ફેક્ટર ચાલવાનું નથી. એ ક્યારે ચાલે કે જ્યારે સરકાર સામે કોઈ મુદ્દે અસંતોષ હોય, પ્રજા સાથેનો સરકારનો કે પક્ષનો નાતો તૂટયો હોય, પણ એવું થયું નથી. છેલ્લા સવા વર્ષમાં અમારી સરકાર પ્રો પીપલ અને પ્રજાપ્રિય રહી છે. રાજ્ય સરકાર સામે કોઈ અસંતોષ ઊભો થયો એવુંય નથી અને અમારી સાથે મોદી શાસનના સાડા તેર વર્ષની કામગીરી પણ છે. 22 વર્ષમાં જનતા દુ:ખી અને છેલ્લે યુપીના નગરપાલિકાનાં પરિણામો શું બતાવે છે? કે દેશનો મૂડ ભાજપ તરફી છે અને ગુજરાત તો ભાજપનો ગઢ છે, અહીં દેશના મૂડથી અલગ ન હોય. ગુજરાત પણ ભાજપ સાથે રહેશે એવો અમને વિશ્વાસ છે, કોંગ્રેસ બધે સાફ થઇ રહી છે, ગુજરાતમાં તો સાફ જ છે. અમારો વિજય  વિકાસરથ આગળ વધવાનો છે એમાં કોઈ શંકા નથી.   પ્રશ્ન : ગુજરાતના વિકાસ મુદ્દે કોંગ્રેસ દ્વારા અનેક ટીકાઓ થાય છે. વિકાસ ખોખલો છે એવો આક્ષેપ થાય છે...  રૂપાણી : કોંગ્રેસના શાસનમાં શું હતું અને ભાજપના શાસનમાં શું થયું એના આંકડા જોઈ લો એટલે વાત સ્પષ્ટ થઇ જશે. ગુજરાત આજે શાંત રાજ્ય છે. કોમી તોફાનો થતા નથી. કર્ફ્યુ લાગતા નથી. અરે, બહારના રાજ્યોના લોકો અહીં રોજગારી માટે આવે છે, એટલે રોજગારી ઓછી છે એવીય વાત ખોટી છે. ગુજરાતમાં 1995માં ઓદ્યોગિક ઉત્પાદન 80,000 કરોડ હતું, એ આજે 12.50 લાખ કરોડ થયું છે. કપાસની ગાંસડીનું ઉત્પાદન 15 લાખથી વધી 1 કરોડથી વધુ થયું છે. 7 યુનિવર્સિટી હતી એ આજે 57 છે. કૃષિ ઉત્પાદન 80,000 કરોડથી વધી 1.15 લાખ કરોડ થયું છે. રોજગારીમાં ગુજરાત 14 વર્ષથી મોખરે છે. ગુજરાત તો દેશ માટે વિકાસનું મોડેલ બન્યું છે.   પ્રશ્ન : આ વેળાય ચૂંટણીમાં ભાજપમાં ચહેરો તો નરેન્દ્ર મોદી જ છે, એવું શા માટે, એ તો હવે વડાપ્રધાન છે.   રૂપાણી : જુઓ ભાઈ, એ પક્ષના ટોચના નેતા છે એટલે એ જ પક્ષને લીડ કરે એ સ્વાભાવિક છે. કોંગ્રેસના વખતમાં શું હતું? ઇન્દિરા ગાંધી જ ચહેરો રહેતા. એમની આભા નીચે જ પ્રચાર થતો હતો. અટલ બિહારી વાજપેયી હતા ત્યારે એ લીડ કરતા હતા. આજે મોદી છે. મહત્ત્વનું એ છે કે, પક્ષના નેતા કોણ છે, પક્ષની નીતિ શું છે, નિયતિ શું છે અને નાતો કેવો છે.   પ્રશ્ન : પક્ષમાં ઘણી જગ્યાએ નારાજગી છે. ટિકિટ મુદ્દે કેટલાક ધારાસભ્યોએ  રાજીનામાં આપ્યા છે, બળવો પણ કર્યો છે અને વિરોધ પ્રદર્શનો પણ થયા છે.   રૂપાણી : 182 બેઠક છે એમાં બે-પાંચ બેઠક મુદ્દે ક્યાંક રોષ હોય એવું બની શકે. પણ રાજીનામું આપનારા પાછા પક્ષના કામે લાગી ગયા છે. એ સામે કોંગ્રેસમાં તમે જુઓ ત્યાં મોટી સંખ્યામાં બદલાવ થયા છે, અરે મેન્ડેટ સીધા ઉમેદવારને આપવા પડયા છે અને કાર્યાલયોમાં તોડફોડ થઇ છે. કોંગ્રેસ તો બીજાને જોરે ચૂંટણી લડી રહી છે. અલ્પેશ, હાર્દિક, જિગ્નેશ અને છોટુ વસાવા જાણે કોંગ્રેસના તારણહાર હોય એવી રીતે કોંગ્રેસ ચાલી રહી છે. કોંગ્રેસ અત્યારથી જ હારી ગઈ છે.   પ્રશ્ન : ગુજરાતમાં પહેલીવાર યુવા નેતાગીરી ઊભરી હોય એવું લાગી રહ્યું છે, એને તમે કઈ રીતે જુઓ છો?   રૂપાણી : તમે નોંધી લો, આ અલ્પેશ અને જિગ્નેશ હારવાના છે. એ નેતાઓ નથી, એ ગુમરાહ કરાનારા યુવાનો છે. હાર્દિક સહિત આ યુવાઓ કોંગ્રેસના નેતા બની ગયા છે. હાર્દિકની મૂળ માગણી હતી એનાથી એ જુદા જ માર્ગે ચાલે છે.   સમાજને એણે છેહ આપ્યો છે. એને જો જનસમર્થન હોત તો એમણે જુદી પાર્ટી બનાવી ચૂંટણી લડી હોત.   પ્રશ્ન : તો પછી પાસને તોડી એના ક્ન્વીનરોને ભાજપમાં સમાવ્યા શા માટે ?   રૂપાણી : અમે એવું કાંઈ કર્યું નથી. પાસમાં અસંતોષ ઊભો થયો. હાર્દિકથી એ ત્રાસી ગયા, એમનો ભ્રમ તૂટયો અને એ ભાજપમાં જોડાયા છે અને પાટીદારો અમારી સાથે જ છે. અમે આંદોલન કરનારા સાથે મંત્રણાઓ કરી બંધારણની મર્યાદામાં જે આપી શકાય એ આપ્યું પણ એ મંત્રણામાં હા પાડે અને બહાર આવી એ ફરી જતા હતા.   પ્રશ્ન : સૌરાષ્ટ્રના ચૂંટણી ચિત્ર વિશે શું માનો છો, ત્યાં અમુક બેઠકમાં અસંતોષ છે.   રૂપાણી : સૌરાષ્ટ્રમાં મને 2012 કરતાં વધુ બેઠકો મળવાની છે, કારણ કે સૌરાષ્ટ્રની મુખ્ય સમસ્યા પાણીની હતી. નર્મદા ને સૌની યોજના થકી પાણી અને ખેતીની સમસ્યા હવે રહી નથી. બંદરોનો વિકાસ થયો છે. દોઢ વર્ષમાં સૌની યોજનામાં  115 ડેમ ભરાઈ જવાના છે. રો રો ફેરી સર્વિસ શરૂ થઇ છે અને એને અમે વિસ્તારવાના છીએ અને એ કારણે સૌરાષ્ટ્ર ધમધમતું થઈ જવાનું છે.  પ્રશ્ન : કચ્છ વિશે શું કહેશો? કચ્છને હજુય અન્યાય થયાની ભાવના છે...  રૂપાણી : કચ્છની પાણીની સમસ્યા હળવી થઇ છે. ત્યાં ધરતીકંપ બાદ ઔદ્યોગિક વિકાસ થયો છે. હવે  કચ્છમાં ટૂરિઝમ વધ્યું છે. બંદરોનો વિકાસ થઈ રહ્યો છે. અમે કચ્છને શ્રેષ્ઠ બનાવાવા માગીએ છીએ અને હા, અમે કચ્છની છએ છ બેઠક જીતવાના છીએ. કોંગ્રેસના શક્તાસિંહ પણ હારવાના છે.   પ્રશ્ન : આ ચૂંટણીમાં વિકાસના મુદ્દે પ્રચારની શરૂઆત થઇ હતી, પણ આજે જ્ઞાતિવાદ અને ધર્મની વાત સપાટી પર આવી ગઈ છે.   રૂપાણી : જ્ઞાતિવાદ કોંગ્રેસે ભડકાવ્યો છે. અલ્પેશ, હાર્દિક અને જિગ્નેશને એમણે એજન્ટ બનાવ્યા છે અને રાહુલના બિનાહિંદુ હોવાના મુદ્દે અમે શું કરીએ? રાહુલ બહુ કન્ફયુઝડ છે. એમણે ભૂલ કરી અને એમણે જ ખુલાસા કર્યા છે. મુદ્દા એ ઊભા કરે છે, અમે નહીં.   પ્રશ્ન : એક અહેવાલ મુજબ નીતિન પટેલને મુખ્યમંત્રીના ઉમેદવાર જાહેર કરવાની વાત છે. તમારી બેઠક પર ફરી મુખ્યમંત્રી બનાવીએ એવો પ્રચાર થાય છે.   રૂપાણી : હું એ બાબતે બહુ સ્પષ્ટ છું. એમાં પડવા માગતો નથી. મુખ્યમંત્રી બનવાની મેં કદી લાલસા સેવી નહોતી. ઇચ્છા દર્શાવી નહોતી. પાર્ટીએ જવાબદારી સોંપી અને એ  મેં સુપરે સંભાળી છે. અમારો ટાર્ગેટ છે 150 બેઠક મેળવવાનો. ભાજપના મુખ્યમંત્રી બનવાના છે એ નિશ્ચિત છે અને નેતૃત્વ કોને સોંપવું એ હાઈ કમાન્ડે નક્કી કરવાનું છે.   પ્રશ્ન : કપાસ અને મગફળીના ભાવ મુદ્દે ખેડૂતોમાં રોષ છે...  રૂપાણી : અમે બે વર્ષથી ટેકાના ભાવે ખરીદી કરીએ છીએ. વ્યાપક પ્રમાણમાં ખરીદી  થાય છે. મગફળીની 900ના ભાવે ખરીદી થાય છે અને એ માર્ચ સુધી ચાલવાની છે. અત્યાર સુધીમાં પોણા બે લાખ ટન ખરીદી થઇ ચૂકી છે. કપાસમાં તો અમે ટેકાના ભાવ પર 100નું બોનસ આપ્યું છે.   પ્રશ્ન : મહિલાઓ અને યુવાઓનું મતદાન મોટું છે અને એમને ઓછી ટિકિટ અપાય છે.   રૂપાણી : ભાઈ ટિકિટ એ એક જ માપદંડ નથી. પાર્ટીમાં યુવા નેતા નિખરે એમ એને ટિકિટ અપાય છે અને સ્થાનિક સ્વરાજ સંસ્થામાં મહિલાઓ માટે ભાજપે 50 ટકા અનામત આપી. પોલીસમાં 33 ટકા મહિલા ભરતી નક્કી થઇ છે.  પ્રશ્ન : યુપીમાં નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને મળેલી જીતથી ગુજરાતને ફાયદો થશે?   રૂપાણી : આ પરિણામ બતાવે છે કે, નોટબંધી અને જીએસટી સામે કોંગ્રેસે જે વિરોધ કર્યો એ વાત ખોટી છે. આ બંને મુદ્દે અસર શહેરમાં વર્તાતી હતી એમ કહેવામાં આવે છે, પણ એ વાત યુપીમાં ખોટી પડી છે. ગુજરાતમાં પણ આવું જ બનવાનું છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer