લુડબાય અને બુરકલની સીમમાંથી 1.98 લાખના કોલસા-લાકડાં ઝડપાયા

ભુજ, તા. 6 : નખત્રાણા તાલુકામાં રણકાંધી નજીકના વિસ્તારમાં આવેલા લુડબાય અને બુરકલ ગામે પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા જુદા-જુદા ત્રણ દરોડા બાતમીના આધારે પાડીને ગેરકાયદેસર મનાતા રૂા. 1.98 લાખની કિંમતના બાવળિયા કોલસા અને લાકડાંનો જથ્થો પકડી પડાયો હતો. આ કામગીરીમાં ત્રણ ઇસમની અટક પણ કરાઇ હતી.  પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, લુડબાય ગામની સીમમાં રૂા. 80 હજારની કિંમતના 400 બોરી બાવળિયા કોલસા સાથે લુડબાય ગામના  રહીમ દાદ જતની અટક કરાઇ હતી, જ્યારે બુરકલ ગામે ગામની સીમમાંથી રૂા. 40 હજારના 200 બોરી કોલસા અને રૂા. આઠ હજારનાં 200 મણ લાકડાં મળી કુલ્લ રૂા. 48 હજારના મુદ્દામાલ સાથે બુરકલના હાજી સરૂન જતની અટક કરાઇ હતી, જ્યારે બુરકલ સીમાડામાં જ અન્ય એક સ્થળે દરોડો પડાતાં રૂા. દશ હજારના 50 બોરી કોલસા તથા રૂા. 60 હજારનાં 1500 મણ લાકડાં મળી કુલ્લ રૂા. 70 હજારના  મુદ્દામાલ સાથે બુરકલના કાસમ બુઢ્ઢા જતની અટક કરાઇ હતી.  એસ.ઓ.જી. દ્વારા સી.આર.પી.સી. 102 મુજબ કોલસા અને લાકડાંનો આ આધાર વગરનો જથ્થો કબ્જે કરી અટક કરાયેલા આરોપીઓ સાથે આગળનો મામલો નરા પોલીસના હવાલે કરાયો હતો. પોલીસ દ્વારા કેસની આગળની છાનબીન વનતંત્રના હવાલે કરાશે. જે તપાસમાં કોલસા કોણે બનાવ્યા અને અત્યાર સુધી કેટલો માલ બનાવાયો તેના સહિતની વિગતો બહાર આવવાની સંભાવના છે.  એસ.પી.ના માર્ગદર્શન તળે આ કાર્યવાહીમાં ઇન્સ્પેક્ટર વી.કે. ખાંટની રાહબરીમાં સ્ટાફના ભાવેશ ચૌધરી, ધર્મેન્દ્રાસિંહ જાડેજા, સાજીભાઇ રબારી, દિવ્યાંગ બારોટ, કીર્તાસિંહ જાડેજા વગેરે જોડાયા હતા.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer