નખત્રાણાની સગીર વયની કન્યા ગર્ભવતી હોવાનું ખૂલતાં ચકચાર

ભુજ, તા. 6 : નખત્રાણા નગરના વાડી વિસ્તારમાં શારીરિક શોષણ કે બળાત્કારનો ભોગ બનેલી તેર વર્ષની વયની કન્યા ગર્ભવતી બનતાં પોલીસે દોડધામ આદરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળેલી પ્રાથમિક જાણકારી મુજબ તેર વર્ષની વયની આ છોકરીને પેટમાં તકલીફ ઉપડવા સાથે તેને નખત્રાણા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાઇ હતી. જ્યાંથી તેને વધુ સારવાર માટે ભુજની હોસ્પિટલે લાવીને તેની તપાસણી કરવામાં આવતાં તેના પેટમાં દોઢેક મહિનાનો ગર્ભ હોવાની વિગતો સપાટી ઉપર આવી હતી.  આ બાબતે પોલીસને જાણ કરતાં કાયદાના રક્ષકો હરકતમાં આવી જરૂરી તપાસમાં પરોવાયા છે. આ કન્યા બળાત્કારનો ભોગ બની છે કે શારીરિક શોષણનો તેના સહિતની વિગતો ચકાસવામાં આવી રહી છે. કન્યા હાલતુરત હતપ્રત થઇ ગઇ હોવાથી તે સંપૂર્ણ વિગતો આપી શકે તેમ ન હોવાથી વધુ માહિતી બહાર આવતાં અટવાઇ છે. તેની સાથે શું બન્યું તે સ્પષ્ટ થયે પોલીસ ગુનો દાખલ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરશે.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer