ભાજપ સરકારમાં દલિતોને ભારોભાર અન્યાય

ભાજપ સરકારમાં દલિતોને ભારોભાર અન્યાય
ભુજ, તા. 6 : અહીં જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગ અને ભુજ તાલુકા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના સંયુકત ઉપક્રમે ભુજ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર આદમભાઇ ચાકીના સમર્થનમાં દલિત સંમેલન યોજાયું હતું. જેમાં ભાજપ સરકારે દલિતોને અન્યાય કર્યો હોવાની લાગણી વ્યકત કરવા સાથે આરોપ મૂકયો હતો. સંમેલનના પ્રારંભે ડો. ભીમરાવ આંબેડકરની છબીને   આદમભાઇ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશભાઇ મહેશ્વરી સહિતના અગ્રણીઓએ પુષ્પાંજલિ કરી દીપ પ્રગટાવી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો.  ઉમેદવાર શ્રી ચાકીએ આંબેડકરસાહેબના જીવનચરિત્રને યાદ કરી દલિતોના ઉત્થાન અને દેશનું બંધારણ બનાવવામાં યોગદાનને યાદ કરી વર્તમાન સમયમાં કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકાર દલિતોને ભારોભાર અન્યાય કરી  રહી છે અને છેતરી રહી છે. ભાજપ સરકાર દલિત ઉત્થાનની યોજનાઓ બંધ કરીને દલિતોને પાયમાલ કરી નાખ્યા છે તેવો આરોપ મૂક્યો હતો. નરેશભાઇએ કોંગ્રેસે દલિતોના વિકાસ માટે કરેલા કાર્યો અને યોજનાઓને યાદ કરી હતી. જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખ પ્રાણલાલ નામોરીએ અનેક યોજનાઓ બંધ કરી દેવાતાં દલિતોનો વિકાસ રુંધાઇ રહ્યો છે, તેમ કહી સમાજને કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવા અનુરોધ કર્યો હતો. દલિત સમાજના યુવા અગ્રણી, જિલ્લા કોંગ્રેસના મંત્રી અને કચ્છ યુનિવર્સિટીના સેનેટ રમેશભાઇ ગરવાએ કહ્યું હતું કે, વર્તમાન ભાજપ સરકારે શિક્ષણનું વ્યાપારીકરણ કરી દલિત સમાજને શિક્ષણથી વંચિત રાખવા કારસો રચેલો છે. કોંગ્રેસ અનુસૂચિત જાતિના પ્રદેશ અગ્રણી દાનાભાઇ બડગા, મોહનભાઇ નામોરી, રાણાભાઇ મેરિયા, જુમાભાઇ નોડે, રાજસ્થાનના દલિત અગ્રણી પ્રો. મેઘવાલ સહિતનાઓએ સરકારને ઉખાડી ફેંકવા હાકલ કરી હતી. દલિત સમાજના અગ્રણીઓ નગરસેવક માલશી માતંગ, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યા લક્ષ્મીબેન નામોરી, હરેશ મેરિયા, ઉગાભાઇ મારવાડા, રામજીભાઇ દાફડા, આત્મારામભાઇ મહેશ્વરી, દામજીભાઇ સુંઢા, તેજશી થારૂ, ડી. એલ. મહેશ્વરી, મંગલભાઇ કટુઆ, સહદેવ સેખાણી તથા દલિત સમાજના ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા અને આયોજન જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના પૂર્વ પ્રમુખ નાગશીભાઇ ફફલે, સંચાલન એડવોકેટ ધનજી મેરિયાએ અને આભારવિધિ દિનેશ ગોહિલે કર્યા હતા, તેવું એક યાદીમાં જણાવાયું છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer