ભીમાસરની જેમ રતનાલ મોડેલ બનવું જોઇએ

ભીમાસરની જેમ રતનાલ મોડેલ બનવું જોઇએ
અંજાર, તા. 6 : 4-અંજાર વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર વી.કે. હુંબલ દ્વારા ભાજપના ઉમેદવારના ગામ રતનાલ મધ્યે લોકસંપર્ક કરી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રતનાલવાસીઓને સંબોધન કર્યું હતું. શ્રી હુંબલે પ્રવચનમાં જણાવ્યું હતું કે, રતનાલવાસીઓ વિકાસને ઝંખે છે પરંતુ ભાજપની ગ્રામ્યવિરોધી નીતિ તથા સ્થાનિક પ્રતિનિધિઓની નિક્રિયતાથી આ ગામ વિકાસથી વંચિત છે. રાજકીય લાભો દ્વારા ગ્રામ વિકાસની બાબત ખરેખર કોરાણે મુકાઇ ગઇ છે. રતનાલના તમામ સમુદાય-વર્ગનો વિકાસ થવો ખૂબ જરૂરી છે. રતનાલને ભીમાસરની જેમ રાષ્ટ્રીય સ્તરે નામના મળે તે માટે પ્રત્યેક રતનાલવાસીઓની નેમ છે. સર્વાંગી વિકાસ કરવાની સંપૂર્ણ તૈયારી વી.કે. હુંબલે દર્શાવી હતી. વી.કે. હુંબલને રતનાલ ગામના સંપર્ક દરમ્યાન ઉમળકાભેર આવકાર તમામ સમુદાય દ્વારા મળ્યો હતો. જિલ્લા કોંગ્રેસના મહામંત્રી દિનેશ માતાએ આ ગામે વિકાસનાં ફળ 22 વર્ષના ભાજપના શાસન બાદ પણ હજી નથી ચાખ્યાં જે દુ:ખદ બાબત છે તેમ કહ્યું હતું. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. કિસાનોને પૂરતા પોષણક્ષમ ભાવો મળતા નથી. રાષ્ટ્રીય ધોરીમાર્ગના આ ગામના રસ્તાઓ ખખડધજ છે, રેલવે સ્ટેશન આધુનિકીકરણ ઝંખે છે. યુવાનો માટેના ક્રિકેટ મેદાન પણ સુવિધાઓથી વંચિત છે. આમ, તમામ મોરચે ભાજપ સરકારની નેતાગીરીની વિલંબ નીતિને દિનેશભાઇએ જવાબદાર ગણાવી હતી. તા. પંચાયત સદસ્ય ભગુભાઇ આહીરે ભાજપને જાકારો આપી વી. કે. હુંબલના `નવસર્જન રતનાલ'ના અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત તા.પં. વિપક્ષી નેતા રમેશ ડાંગર, અરજણ ખાટરિયા, મહેશ આહીર વિ.એ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. ગામના આગેવાનો રાણાભાઇ વરચંદ, ભચુભાઇ આહીર ઉપરાંત અરજણ વાઘેલા, રમજુ રાયમા, હમીર મયાત્રા, મીરાબેન આહીર, ત્રિકમભાઇ આહીર (માજી સરપંચ-મોખાણા) વિ. આગેવાનો જોડાયા હતા. રાધાકૃષ્ણનગર, ચંદિયા તથા કનૈયાબે ગામના લોકસંપર્ક દરમ્યાન પણ શ્રી હુંબલને વિશાળ જનસમર્થન મળ્યું હતું. કનૈયાબેના પ્રવાસ દરમ્યાન હાજી લતીફશા શેખ, ઇસ્માઇલશા ઇભરામશા શેખ, અલીશા શેખ (માજી સરપંચ), વલુભાઇ કોલી, વાલજીભાઇ મહેશ્વરી, ઇબ્રામશા અલીશા શેખ, રહીમશા અમીલશા, જમનશા અલીશા વિ. આગેવાનોએ ઉમેદવાર સાથે સંપર્ક કર્યો હતો અને કોંગ્રેસને જીતાડવા અપીલ કરી હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer