ભાજપના રાજમાં રોજગારી છીનવાઇ અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં ઓવરલોડનું દૂષણ

ભાજપના રાજમાં રોજગારી છીનવાઇ અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં ઓવરલોડનું દૂષણ
નખત્રાણા, તા. 6 :  અહીં વિશ્વકર્મા માર્કેટ ખાતે જાગૃત ટ્રકમાલિકો દ્વારા અબડાસા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ એમ. જાડેજાના સમર્થનમાં જાહેર સભા યોજાઇ હતી, જેમાં ગામેગામના ટ્રકમાલિકો દ્વારા શ્રી જાડેજાને બહુમતીથી જીતાડવા હાકલ કરવામાં આવી હતી. સભાની શરૂઆત દીપ પ્રાગટય તેમજ ગણેશવંદના સાથે કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચન કરતાં લખપત તાલુકાના હાસમ નોતિયારે કોંગ્રેસ કયારેય પણ જાતિવાદનું રાજકારણ કર્યું નથી. કોંગ્રેસ સતત ગરીબીને પડખે રહી છે. ઊલટાનું ભાજપે પાટીદારો સાથે અન્યાય કર્યો, દલિતોને પણ અન્યાય કર્યો છે. અત્યારે લોકો સારી રીતે જાણે છે કે ટ્રક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગો સાથે સંકળાયેલા ટ્રકમાલિકો તેમજ  સંલગ્ન ધંધાર્થીઓની હાલત શું છે, રોજગારી છીનવી છે અને ઓવરલોડનું દૂષણ છે, સાથે નોટબંધી અને જી.એસ.ટી. લગાવી ધંધા રોજગારની હાલત બદતર કરી નાખી છે. વિશ્વકર્મા માર્કેટ યુવક મંડળ દ્વારા શ્રી જાડેજાનું સાફો પહેરાવી સન્માન કરાયું હતું. આ પ્રસંગે પી.એમ. જાડેજાએ કહ્યું હતું કે, ભાજપે માત્રને માત્ર વિકાસના વાયદા કર્યા છે. તમામ ક્ષેત્રે ભાજપની સરકાર નિષ્ફળ ગઇ છે, ત્યારે આપણી લડાઇ આપણા હક્ક માટે છે. વધુમા પાનધ્રો ખાણ બંધ થતાં 1800 જેટલા ટ્રકમાલિકો બેકાર થઇ ગયા છે. ટ્રકમાલિકો પ્રથમ ટોલ ટેક્સ ભરે ત્યારબાદ રસ્તા પર ટ્રક ચાલે છે. ઉપરાંત અહીંની કોલેજ પણ વર્ષો થઇ ગયા તેમ છતાં ગ્રાન્ટેબલ નથી. ભાજપ પર આકરા પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે, નર્મદાના રથ લઇ ગામેગામ નીકળે છે પરંતુ હાલત એ છે કે પીવાનું પાણી નથી, ખેતી માટે નથી. તેમણે ઉદ્યોગ-કંપનીઓ દ્વારા કચ્છના યુવાનોને રોજગારી ઉપલબ્ધ કરાવવામાં નથી આવતી, હું દરેક સમાજને સાથે લઇને ચાલનારો છું તેમજ દરેક સમાજની પડખે ઊભો રહ્યું છું. સભામાં તાલુકા કોંગ્રેસના મમુભાઇ આહીર, ભાવેશ ગોસ્વામી, બાબુભાઈ ભાદાણી, દેવાભાઇ રબારી, ભરતભાઇ નાથાણી, હાજી હારૂન મુસા, મંગલભાઇ રબારી, રાજદેભાઇ પોકાર, ભીખાભાઇ રબારી, ઇસ્માઇલ પીંજારા, મંગલસિંહ જાડેજા, નૈતિક પાંચાણી, મૂળજીભાઇ ઠક્કર, માવજીભાઇ મહેશ્વરી, વિશનજી પાંચાણી, જુમ્મા વેડહાર, શાંતિલાલ નાકરાણી, રાજેશભાઈ આહીર, અમૃતલાલ ધોળુએ પ્રસંગોચિત પ્રવચન કરી કોંગ્રેસને મત આપવાની હાકલ કરી હતી. સંચાલન હુશેન રાયમા, જશવંત પટેલ ઘડુલી, રાજેશદાન ગઢવીએ કર્યું હતું. સભામાં મોટી સંખ્યામાં ટ્રકમાલિકો ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ અમરીશભાઇએ કરી હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer