પ્રગતિના પંથે જઇ રહેલા દેશના ગુજરાતની વિધાનસભામાં માંડવીનું કમળ હોવું આવશ્યક

પ્રગતિના પંથે જઇ રહેલા દેશના ગુજરાતની  વિધાનસભામાં માંડવીનું કમળ હોવું આવશ્યક
મુંદરા, તા. 6 : વિધાનસભાના ઉમેદવાર વીરેન્દ્રસિંહ જાડેજાને વિજયી બનાવવાના તથા ભાજપના ચૂંટણી સંકલ્પને મતદારો સમક્ષ મૂકવાના ઉદ્દેશ્ય સાથે બારોઇના રૂષભનગરમાં જાહેર સભા યોજાઇ હતી. યુપીના મંત્રી સ્વતંત્રદેવસિંહે વિકાસના કામોને વર્ણવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દીર્ઘદૃષ્ટિ અને સૌનો સાથ? સૌનો વિકાસને સાર્થક કરવા કમળને મત આપી વિજયી બનાવવા હાકલ કરી હતી. દેશ જ્યારે અભૂતપૂર્વ પ્રગતિના રસ્તે આગળ વધી રહ્યો છે, ત્યારે ગુજરાતની વિધાનસભામાં માંડવી બેઠકનું પણ કમળ જવું જોઇએ. ગાંધીધામના ધારાસભ્ય રમેશભાઇ મહેશ્વરીએ જણાવ્યું કે મેં ગાંધીધામથી ઉમેદવારીપત્રક જ્યારે ભર્યું હતું ત્યારે વીરેન્દ્રસિંહે મને વિજયી બનાવવામાં પરિશ્રમ લીધો હતો. એમને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવી તેમનું ઋણ ચૂકવવાનો મને અવસર મળ્યો  છે. આ પ્રસંગે વાલજીભાઇ ટાપરિયા,  ડાહ્યાલાલ આહીર, કીર્તિભાઇ રાજગોર, છાયાબેન ગઢવી સહિતનાઓએ પ્રાસંગિક પ્રવચનોમાં છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન થયેલા વિકાસના કામોની વિગતે વાત કરી હતી. યુ.પી. અને આંધ્રપ્રદેશની અંદાજે 100 જેટલી વ્યક્તિઓને ભાજપમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેને સ્વતંત્રદેવસિંહે ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. બારોઇના સરપંચ જીવણજી જાડેજા, ઉપસરપંચ ભોજરાજ ગઢવી, રીટાબેન બોસ, શકિતસિંહ જાડેજા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ધ્રુવરાજસિંહ ચૂડાસમાએ કર્યું હતું. કાર્યાલયની યાદીમાં જણાવ્યા અનુસાર મુંદરા અને બારોઇનો ગ્રામ્ય વિસ્તાર તથા સોસાયટીનો સમગ્ર વિસ્તાર ભાજપને વિજયી બનાવશે. વીરેન્દ્રસિંહ જનહિત અને નાના માણસોના કામો માટે ભચાઉમાં હંમેશાં અગ્રેસર રહ્યા હતા અને મુંદરામાં પણ તેઓ લોકસેવાના કાર્યો કરતા રહેશે. જાહેરસભામાં મહિલાઓની વિશેષ ઉપસ્થિતિ ખાસ ધ્યાન ખેંચતી હતી.  વિવિધ સોસાયટી વિસ્તારના આગેવાનો, ગરબી મંડળના પ્રમુખો, વિવિધ કંપનીના કર્મચારીઓ, બિનગુજરાતી મતદારો અને ભાજપ સંગઠનના પદાધિકારીઓએ ઉપસ્થિત રહી કમળને વિજયી બનાવવાની ખાતરી આપી હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer