અંજારની ભાગોળે કારમાંથી 57 હજારનો શરાબનો જથ્થો ઝડપાયો

ગાંધીધામ, તા. 6 : અંજારનાં ભોલેનાથ દબડા વિસ્તારમાં એક કારમાંથી પોલીસે રૂા. 57,000નો શરાબ જપ્ત કર્યો હતો. પરંતુ આરોપી હાથમાં આવ્યો નહતો તેમજ આદિપુરમાં રૂા. 7200ના દેશી દારૂ સાથે બે અને ગાંધીધામનાં કાર્ગો પી.એસ. એલ. ઝુંપડા વિસ્તારમાં રૂા. 8000ના દેશી દારૂ સાથે એક શખ્સને બોર્ડર રેન્જની આર.આર. સેલ.ની ટુકડીએ   પકડી પાડયો હતો. અંજારનાં ભોલેનાથ દબડા વિસ્તારમાં પોલીસે પૂર્વ બાતમીના આધારે વોચ ગોઠવી હતી દરમ્યાન કાર નંબર જી.જે. 12-એ.ઇ. 2040વાળો આવતાં તેને અટકાવવામાં આવી હતી. પોલીસને જોઇને કિડયાનગરના હરિસિંહ જોરૂભા વાઘેલા નામનો શખ્સ નાસી ગયો હતો. આ કારમાંથી સ્પેશ્યલ ડિલક્સની 750 એમ.એલ.ની 190 બોટલ કિંમત રૂા. 57,000નો શરાબ પોલીસે જપ્ત કર્યો હતો. નાસી જનાર આ શખ્સ કોને શરાબ આપવા જઇ રહ્યો હતો તેની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી બાજુ આર.આર. સેલે દેશી દારૂના બે દરોડા પાડીને સંતોષ માની લીધો હતો. આદિપુરનાં સાતવાળી વિસ્તારમાં સાંઇનાથ કરીયાણા સ્ટોર પાસે રિક્ષા નંબર જી.જે. 12-બી.યુ. 1369માંથી રૂા 7200ની 360 કોથળી દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ લીલારામ ઉર્ફે લીલુ શીતલદાસ જસનાણી અને દેવજી જેઠા મારવાડાની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ દારૂ    આપનાર તરીકે વીડીના વીરબાઇ આમદ કોળીનું નામ બહાર  આવ્યું હતું. સેલે બીજો દરોડો ગાંધીધામના કાર્ગો ઝુંપડા વિસ્તારમાં પાડયો હતો. અહીંથી રૂા. 8000ની દેશી દારૂની 400 કોથળી હસ્તગત કરવામાં આવી હતી. તેમજ મજુર તરીકે કામ કરનાર પવનકુમાર મંગલ પાસવાનની અટક કરાઇ હતી તો આ દારૂ વેંચનાર રાજેન્દ્રસિંઘ સુરેન્દ્રસિંઘ રાજપુત તથા પ્રભાબેન કાન્તિ લુહાર પોલીસના હાથમાં આવ્યા ન હતા. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer