નલિયામાં પારો 4 ડિગ્રી નીચે ગગડતાં ઠંડીમાં વધારો

નલિયા, તા. 6 : ઓખી વાવાઝોડાની અસર થકી છેલ્લા બે દિવસથી અબડાસામાં ઠંડીમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળ્યો છે. ગઇકાલે દિવસ દરમ્યાન ધાબડિયું વાતાવરણ રહેતાં સૂર્યદેવતાના દર્શન ન થવાનાં પગલે ઠંડી વધુ વર્તાઇ હતી. તો ગઇકાલની તુલનાએ આજે ફરી પાછો પારો 4.2 ડિગ્રી જેટલો નીચે ઊતરતાં 12.6એ ઠંડી અટકી હતી. દરમ્યાન બપોર બાદ તીક્ષ્ણ ઠંડા પવન ફૂંકાવા શરૂ થયા હતા. હવામાનની દૃષ્ટિએ પારો જે પણ હોય પરંતુ વાસ્તવિક ઠંડી એથીયે વધુ વર્તાઇ હતી. દિવસ દરમ્યાન પણ અબાલ વૃદ્ધ સૌ નખશિખ ઊની વત્રોમાં લપેટાયેલા જોવા મળ્યા હતા, તો ઠંડીએ મૂંગા પ્રાણીઓને પણ બેહાલ કરી દેતાં તડકાનાં તાપમાં પ્રાણીઓએ પોતાની ઠંડી ઉડાડવાનો પ્રયાસ કર્યો હતો. મોડીસાંજે આવા ચૂંટણીના ગરમાવા વચ્ચે પણ બજારો, બસ સ્ટેશન વિસ્તારમાં લોકોની હાજરી નહીંવત દેખાઇ હતી. ઠંડીની અસર સમુદ્રી ફાલ પર પડતાં સમુદ્રમાં માછલીનો જથ્થો પણ નીચો ચાલ્યો ગયો છે. તો ઢોરોમાં દૂધ આપવાની ક્ષમતામાં પણ ઘટાડો નોંધાયો છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer