સૌથી વધુ ખર્ચ અબડાસામાં ભાજપે કર્યો : અંજાર-ગાંધીધામમાં ઓછો

ભુજ, તા. 6 : વિધાનસભાની ચૂંટણી લડતા દરેક ઉમેદવારને ચૂંટણી ખર્ચ માટે રૂા. 28 લાખ સુધીની મર્યાદા ચૂંટણી પંચ તરફથી નક્કી કરવામાં આવી છે ત્યારે કચ્છની છ બેઠકો ઉપર પ્રતિસ્પર્ધી છે એ બે મુખ્ય ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોમાંથી કોણે કેટલી રકમ વાપરી છે તે રસપ્રદ વિગતો બહાર આવી છે. અત્યાર સુધીમાં સૌથી વધારે ખર્ચ અબડાસાના ભાજપના ઉમેદવારે તો ઓછામાં ઓછી રકમ અંજાર બેઠકના કોંગ્રેસી,  ગાંધીધામના ભાજપના ઉમેદવારે વાપરી છે. આમ જોવા જઇએ તો રાજ્યમાં કચ્છની છ વિધાનસભા બેઠકોનો ઘેરાવો સૌથી મોટો છે અને દૂર દૂરના ગામોમાં પથરાયેલા મતદારો સુધી પહોંચવા દરેક ઉમેદવારને ખાસો એવો સમય જોઇએ. સાથે સાથે ખર્ચની મર્યાદામાં બધું કરવાનું હોવાથી દરેક ઉમેદવાર માટે ખર્ચના આંકડા રજૂ કરવામાં નાકે દમ આવી જાય છે એ હકીકત છે. ઉમેદવાર દીઠ ખર્ચની મર્યાદા રૂા. 28 લાખ છે પરંતુ ખરેખરો ખર્ચ કેટલો થયો હશે એ ચૂંટણીપંચ સિવાય સૌ કોઇ જાણે છે. રાજ્યમાં નંબર વન ગણાતી અબડાસા બેઠકનો વિસ્તાર સૌથી મોટો છે અને બૂથની સંખ્યા પણ ઘણી છે. અબડાસા મત વિસ્તારમાં અબડાસા, લખપત અને નખત્રાણા એ ત્રણ તાલુકાનો સમાવેશ થાય છે અને પોલિંગ બૂથની સંખ્યા 370ની હોવાથી આ બેઠક પર ચુનાવી પ્રક્રિયા સ્પર્ધામાં ઉતરેલા ભાજપના છબીલભાઇ પટેલે અત્યાર સુધી 12,31,108ની રકમ વાપરી છે.  ખર્ચના નોડેલ ઓફિસર ડી.ડી.ઓ. ચંદ્રકાન્ત પટેલ છે તેમણે જણાવ્યું હતું કે તા. 4/12 સુધી તમામ ઉમેદવારોએ રજૂ કરેલા ખર્ચના આંકડા આપવામાં આવ્યા છે. શ્રી પટેલના જણાવ્યા પ્રમાણે સામે પક્ષે કોંગ્રેસના પ્રદ્યુમનસિંહ જાડેજાએ રૂા. 3,45,131નો ખર્ચ કર્યો છે. 2 નંબરની માંડવી બેઠકમાં હવે મુંદરા વિસ્તાર પણ છે. અહીં બૂથની સંખ્યા 279 છે તો ભાજપના વીરેન્દ્રસિંહ જાડેજાએ રૂા. 8,56,385 વાપર્યા છે. સામે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ દ્વારા રૂા. 4,81,725 વાપરવામાં આવ્યા છે. ત્રણ નંબરની ભુજ બેઠક પર ચૂંટણી લડતા ભારતીય જનતા પાર્ટીના ડો. નીમાબેન આચાર્યએ રૂા. 3,88,975ની રકમ વાપરી હોવાના આંકડા આવ્યા છે. નવા સીમાંકન પછી 4 નંબરની અંજાર બેઠકમાં છેક ભુજ તાલુકાના કેરા સહિતના ગામો ઉમેરાયા છે એવો મોટો વિસ્તાર છે ત્યારે અહીંના મુખ્ય બંને પ્રતિસ્પર્ધીમાંથી ભારતીય જનતા પાર્ટીના વાસણભાઇ આહીરે રજૂ કરેલા આકડા મુજબ રૂા. 7,78,319નો ખર્ચ કરી નાખ્યો છે. તો સામા પક્ષે કોંગ્રેસના વી. કે. હુંબલે માત્ર રૂા. 1,24,160 વાપર્યા છે જે કચ્છની બેઠકોમાંથી તેમનો ખર્ચ સૌથી ઓછો બતાવ્યો છે. અનુ. જાતિ માટેની અનામત એવી ગાંધીધામ બેઠક પાંચમા ક્રમાંકે આવે છે. અહીં ભાજપમાંથી મહિલા ઉમેદવાર છે માલતીબેન મહેશ્વરી. તેમણે આપેલા હિસાબો પ્રમાણે ખર્ચની રકમ તેમની પણ સૌથી ઓછી છે. રૂા. 1,24,278ના બિલ આપ્યા છે. સામે કોંગ્રેસ વતી કિશોરભાઇ પિંગોલના ખર્ચ આંકડા રૂા. 2,46,783ના છે. આખરી 6 નંબરની રાપરની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પંકજભાઇ મહેતાએ ચૂંટણીપંચ સમક્ષ રજૂ કરેલા ખર્ચના આંકડા પ્રમાણે રૂા. 3,06,600નો હિસાબ છે. જ્યારે સામે કોંગ્રેસના સંતોકબેન આરેઠિયાએ આપેલી વિગતો પ્રમાણે રૂા. 6,97,100નો ખર્ચ કર્યો છે. આ બેઠક ઉપર એન.સી.પી.ના ઉમેદવાર બાબુભાઇ મેઘજી શાહે કોઇ ખર્ચ કર્યો નથી અને આંકડા આપ્યા નથી તેવું જાણવા મળ્યું હતું. જ્યારે તંત્ર સમક્ષ એ પૂછવામાં આવ્યું કે જે મોટી સભાઓ થઇ જેવી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની આ સભાઓમાં મોટો ખર્ચ થયો હશે તો આવી સભાનો ખર્ચ કોના ફાળે જાય છે ? તો આ ખર્ચની રકમ જેટલા ઉમેદવાર સભા મંચમાં હોય છે તેના ભાગે પાડવામાં આવે છે પરંતુ આવી મોટી સભાઓના ખર્ચના હિસાબો ચાલી રહ્યા છે. હજુ પૂરતા આંકડા મળ્યા નથી તેવું જણાવાયું હતું. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer