ભુજ-મસ્કત ઉડ્ડયન સેવા હવે ક્યારે ?

ભુજ, તા. 6 : છેલ્લા દોઢ દાયકાથી ભુજ-મસ્કત વચ્ચે હવાઈ સેવા શરૂ કરવાની માગણી કરતાં આગેવાનો થાકી ગયા છે, અને હવે સમયનો તકાદો છે કે આ માત્ર પ્રવાસી  સુવિધા નહીં, પણ કાર્ગો અને વ્યવસાયિક દૃષ્ટિકોણથી પણ બહુ ઉપયોગી સેવાને શરૂ કરી દેવામાં આવે એવી લાગણી ફરી એકવાર વ્યક્ત કરવામાં આવી છે. મસ્કત ગુજરાતી સમાજ, વિશ્વ ગુજરાતી સમાજ, એનઆરજી એસો. ઓફ કચ્છ અને ગુજરાત, કચ્છ વિકાસ સમિતિ દ્વારા છેલ્લા દોઢ દાયકાથી ભુજ-મસ્કત વચ્ચે આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સેવા શરૂ કરવાની વડાપ્રધાનપદે અટલ બિહારી વાજપેયી હતા ત્યારથી રજૂઆતો કરવામાં આવી રહી છે. આ સિવાય અન્ય મોરચેથી પણ વારંવાર માગણી કરવામાં આવી છે. આમ છતાં, હજુ કેન્દ્ર સરકારે મંજૂરી નથી આપી ત્યારે મસ્કતના આગેવાનોએ ફરી એકવાર આ અતિઆવશ્યક સેવાને શરૂ કરવામાં આવે તે લાગણી    દર્શાવી છે.મસ્કતમાં વિવિધ કચ્છી ગુજરાતી સંગઠનો સાથે જોડાયેલા અગ્રણી ચંદ્રકાંત ચોથાણીએ જણાવ્યું હતું કે, આ સેવા શરૂ કરવામાં આવે તો એક કલાકમાં જ મસ્કત પહોંચી જતાં લાંબો સમય બચી શકે છે. અત્યારે ર4 કલાક નીકળી જાય છે. માત્ર મસ્કત નહીં, પરંતુ દુબઈ, બહેરીન, લંડન, આફ્રિકાના પ્રવાસીઓ માટે પણ તે ઉપયોગી છે. અગ્રણી ઉદ્યોગપતિ શેખ કનકસિંહ ગોકલદાસ ખીમજી પણ વિવિધ સ્તરે આ માગણી ઉઠાવતા રહ્યા છે. વિવિધ સામાજિક-સાંસ્કૃતિક સહિતનાં સેવાકાર્યો સાથે સંકળાયેલા શ્રી ચોથાણીએ ઉમેર્યું હતું કે, કાર્ગો સુવિધાથી તે વ્યવસાયિકોને ઉપયોગી બનશે, પ્રવાસી, શિક્ષણ, મેડિકલ જેવા ઉદ્દેશો માટે પણ આ સેવા ફાયદારૂપ છે. આ મુદ્દે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયને પણ રજૂઆતો કરવામાં આવી છે. કચ્છ ચેમ્બરના માધ્યમથી રાજેશ ભટ્ટ, માંડવી ચેમ્બર દ્વારા વાડીલાલ દોશી, મસ્કત સ્થિત રાજ દૂતાલય દ્વારા સરકારમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, ઉપરાંત પ000 સહી સાથેના આવેદનપત્રથી પણ માગણી મૂકવામાં આવી છે. કચ્છના ધારાસભ્યો, સાંસદ, લોક- પ્રતિનિધિઓ આ પ્રશ્નથી વાકેફ છે અને તેને ધારદાર રીતે ઉપાડીને કચ્છ જ નહીં, સમગ્ર ગુજરાતને સુવિધાજનક ઉડ્ડયન સેવા મળે તેવી લાગણી શ્રી ચોથાણીએ વ્યક્ત કરી હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer