પુરાસર ગામને સડક આપવાનું વચન હવે કઇ સરકાર પૂરું કરશે ?

રાયધણપર (તા. ભુજ), તા. 6 :  ચૂંટણી આવે એટલે ખાતરી અને વચનોની લ્હાણી થાય... પરંતુ ભુજ તાલુકાનાં નાનકડાં એવાં પુરાસર ગામને સડક આપવાનું વચન હજી સુધી કયારેય પૂરું થયું નથી ! ભુજ-નાગોર રોડ ઉપર 4 કિલોમીટર અંદર વસવાટ કરતા પુરાસર ગામમાં 100 જેટલા પરિવારો વસે છે અને 500ની વસ્તી છે. 1969માં વસેલા આ ગામમાં હજી સુધી પાકી સડક પહોંચી નથી. ગામના અગ્રણી મામદ જુસબ સુમરા અને હારૂન મુબારક સુમરા જણાવે છે કે ગામને જોડતો કાચો-પાકો તૂટેલો મેટલ રોડ હોવાથી ગામમાં જરૂર પડે ત્યારે 108 એમ્બ્યુલન્સ કે ખિલખિલાટ વાહન પણ નથી આવતું ! વિદ્યાર્થીઓને ભુજ અભ્યાસ કરવા માટે ચાર કિલોમીટર પગે ચાલીને નાગોર સડક સુધી પહોંચવું પડે છે. ગામની સડક બનાવવા આટલા વર્ષોમાં અનેક રજૂઆતો કરી, કોઇ સાનુકૂળ પ્રત્યુત્તર મળ્યો નથી. હા, માત્ર 400 મીટરનો આર.સી.સી. મંજૂર થયો હતો જે એકદમ ખરાબ રસ્તો હતો ત્યાં 400 મીટરનો સિમેન્ટ રોડ  બન્યો છે. ચૂંટણી પ્રચારમાં આવતા બધા પક્ષો ખાતરી આપીને ચાલ્યા જાય છે. જેથી હવે અમને મતદાન કરવાનો પણ ખાસ ઉત્સાહ   નથી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer