આજે ભુજની ખીલીનું પૂજન

આજે ભુજની ખીલીનું પૂજન
ભુજ, તા. 22 : કચ્છના પાટનગર ભુજનો 470મા સ્થાપનાદિનની આ વખતે વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરાશે. જ્યાં ભુજ શહેરની પ્રથમ ખીલી ખોડાઇ છે તે ઐતિહાસિક ખીલીનું પૂજન ભુજનાં પ્રથમ નાગરિક પ્રમુખ અશોક હાથીનાં હસ્તે સવારે 10 વાગ્યે દરબાર ગઢ અંદર કરવામાં આવશે. ઐતિહાસિક ભુજ શહેરનાં 470મા જન્મદિને સત્યમ્ અને ભુજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શહેરમાં પાંચ નાકા અને છઠ્ઠી બારી અને ચારે રિલોકેશનને આસોપાલવનાં તોરણ બંધાશે તેમજ શહેરનાં રાષ્ટ્રીય અને સ્થાનિક નેતાઓની પ્રતિમાને હારારોપણ કરવામાં આવશે. શહેરનાં બાળકો માટે ભુજ શહેરનાં ઐતિહાસિક ચિત્રો દોરવાની સ્પર્ધા યોજાશે. હેપી બર્થ ડે ભુજની કેક કાપવામાં આવશે. ઉપરાંત ભુજ શહેરનાં બાળકોને ભુજદર્શન ભુજનાં માજી નગરપતિ સ્વ. રસિકભાઇ ઠક્કરની સ્મૃતિમાં તેમનાં પુત્ર અને માજી નગરસેવક ઘનશ્યામભાઇ ઠક્કર દ્વારા કરાવાશે. તદ્ઉપરાંત બાળકોને ભોજન કરાવાશે. જરૂરિયાતમંદોને રાશનકિટ આપવામાં આવશે તેમજ કપડાંનું વિતરણ કરાશે અને હાથ લંબાવી શકતા નથી અને માગી શકતા નથી તેઓને ઘેર ઘેર ટિફિન પહોંચતા કરવામાં આવશે. ઉપરાંત જીવદયાની પ્રવૃત્તિ કરાશે તેવું સત્યમ્ના અધ્યક્ષ દર્શક અંતાણીએ જણાવ્યું હતું.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer