વિકસિત ભુજ અમને વહાલું, પણ સુવિધા-સફાઇ વધે તો સોનામાં સુગંધ

વિકસિત ભુજ અમને વહાલું, પણ સુવિધા-સફાઇ વધે તો સોનામાં સુગંધ
ચાર્મી ઠક્કર કહે છે કે ભુજની સૌથી ગમતી વાત એ છે કે તે યુવતીઓ-મહિલાઓ માટે બહુ સલામત છે. જો કે યુવતીઓએ પણ વધુ સભાન તો બનવું જ પડે. બાકી તો ભુજ વિશે શું કહું ? ભુજના તો દરેક સ્થળ મને ગમે. ભુજ વિકસતું શહેર છે અને ખાણી પીણીની રીતે પણ સરસ છે પણ આપણે શહેરના સ્થળોને યોગ્ય રીતે મેન્ટેઇન કરતા નથી એ દુ:ખની વાત છે. હોસ્પિટલ રોડ કે જ્યુબિલી ગ્રાઉન્ડ જેવા શહેરના હૃસયસમા વિસ્તારોમાં પણ સ્વચ્છતા જોવા મળતી નથી અને ટ્રાફિકના પણ પ્રશ્નો સર્જાય છે. તંત્ર સાથે લોકોએ પણ સિવિક સેન્સ બતાવવી જોઇએ.ભુજવાસી હોવાનો મને ગર્વ છે. પાંચ નાકા અને છઠ્ઠી બારી વચ્ચે વસેલા ભુજનો વ્યાપ અને વિકાસ તો આજે ખૂબ વધી ગયા છે એમ જણાવી ન્યૂઝ રીડર એવી યશ્વી મહેતા કહે છે કે ભુજમાં બહારથી લોકો રડતાં રડતાં આવે છે કે દૂરના સ્થળે જઇને રહેવું પડશે પણ આ શહેરનું આકર્ષણ અને મહેમાનગતિ એવા છે કે જાય છે ત્યારે પણ રડતાં રડતાં જાય છે. અહીં શૈક્ષણિક સુવિધાઓ વધી છે. અદાણી મેડિકલ કોલેજ સહિત આરોગ્યની સુવિધાઓ છે. રેસ્ટોરન્ટ વધ્યા છે. હમીરસરનું બ્યુટીફિકેશન અને સ્મૃતિવન પણ ભુજને સુંદર બનાવશે. ભુજમાં વાંચનપ્રેમીઓ અને વિદ્યાર્થીઓ માટે વધુ સમૃદ્ધ લાયબ્રેરીઓની જરૂરિયાત વર્તાય છે વાઈફાઈ ઝોન હોવા જોઈએ. એ ઉપરાંત જીમ વધી રહ્યા છે પણ મધ્યમ વર્ગ જેમાં મામૂલી ફી આપીને વર્ક આઉટ કરી શકે એવા જીમ માટે સરકારે પહેલ કરવી જોઇએ. ઈવેન્ટ મેનેજમેન્ટ એન્ડ ન્યુટ્રીશન એન્ડ ડાયટિશિનયનની ડિગ્રી ધરાવતી સહેલી ધીરેનભાઇ શાહ કહે છે કે પોતાના ગામ-શહેરની તો દરેક વસ્તુ ત્યાંના રહેવાસીઓને ગમતી હોય. ભુજની એકતા અજોડ છે. બહેનોની સુરક્ષાના મુદ્દે પણ આપણા શહેરને ફુલ માર્કસ આપવા પડે. અહીં રાત્રે પણ યુવતીઓ એકલી નીકળી શકે એવો સરસ માહોલ છે અને એ જળવાવો જોઇએ. સફાઇ આપણો માઇનસ પોઇન્ટ છે. જ્યાં ત્યાં કચરો દેખાતો હોય છે. પ્લાસ્ટિકનો ઉપયોગ પ્રદૂષણ ફેલાવે છે સાથે જ ગાય સહિતના પશુઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વળી ટ્રાફિકની સમજ પણ કેળવવી જરૂરી છે. લોકો સમયસર વેરા ભરશે તો વિકાસકામો થશે. ઉપરાંત તંત્રએ પણ જ્યાં ખાડા હોય એવા માર્ગોએ સાઇન બોર્ડ મૂકવા જોઇએ. સાથે જ નવા વિસ્તારોમાં પણ આવા સાઇન બોર્ડ જરૂરી છે. પિતા સાથે 1100 કિલોમીટર બુલેટ સવારીની સિદ્ધિ મેળવી ચૂકેલી ભુજની ચાંદની રાણપરા (સોની) કહે છે કે શહેરમાં હેરિટેજના સ્થળો બહુ સારા છે. જે ભુજની શાન ગણી શકાય. ભુજવાસીઓ ઉત્સવપ્રેમી અને વિચારોથી ફોરવર્ડ છે. શહેરના લોકો એકબીજાને મદદ કરવા તત્પર હોય છે પણ ખૂટતી કડીઓ તરફ નજર રાખીએ તો જ્યાં વધુ ટ્રાફિક હોય એવા માર્ગો પર સિગ્નલોનો અભાવ છે. હમીરસર તળાવની બહેતર જાળવણી જરૂરી છે. પાર્કિંગની વ્યવસ્થાનો અભાવ જોવા મળે છે. તો બસ સ્ટેશન પાસે ભારે ટ્રાફિક અને ગંદકી જોવા મળે છે. ભુજની ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કરી રહેલી મહિમા દોશી કહે છે કે ભુજની છતરડી, આઇના મહેલ, હમીરસર તળાવ, સ્વામિનારાયણ મંદિર વગેરે સ્થળો મને બહુ ગમે છે. ભૂકંપ પછી તો શહેરનો ખૂબ વિકાસ થયો છે અને તે સ્માર્ટ સિટી થવા તરફ આગળ વધે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કચ્છ અને ભુજના વખાણ કરી ચૂક્યા છે. જો કે ભુજમાં શિક્ષણનું સ્તર જોઇએ તેવું નથી. જેને વધારવાની, દરેક સ્તરે જરૂરિયાત જોઇ શકાય છે. એ ઉપરાંત વિકસિત શહેરના રસ્તા પણ બહેતર બનાવવાની જરૂર છે. સફાઇ મુદ્દે તો લોકોએ પણ જાગૃત બનવાની જરૂર છે. એ જ રીતે જનરલ હોસ્પિટલ બહુ ભવ્ય છે પણ સુવિધાઓ એટલી વધી નથી જે વધવી જોઇએ.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer