ગુંદાલા ચોકડી અને પ્રાગપર વચ્ચે આગળ જતા ટ્રેઇલરમાં જીપકાર ઘૂસી જતાં બે જણનાં મૃત્યુ

ગુંદાલા ચોકડી અને પ્રાગપર વચ્ચે આગળ જતા  ટ્રેઇલરમાં જીપકાર ઘૂસી જતાં બે જણનાં મૃત્યુ
ભુજ, તા. 22 : મુંદરા તાલુકામાં ગુંદાલા ચોકડીથી પ્રાગપર તરફ જતા ધોરીમાર્ગ ઉપર આજે પરોઢિયે પૂરપાટ જઇ રહેલી ઇનોવા જીપકાર આગળ જતા ટ્રેઇલર સાથે અથડાઇને તેમાં ઘૂસી જતાં જીપકારમાં સવાર કારાઘોઘા (મુંદરા)ના હિતુભા દીપસંગજી ચૂડાસમા (ઉ.વ.29) અને મૂળ રાજસ્થાનના અને હાલે ગાંધીધામ રહેતા દેવેન્દ્રાસિંહ (ઉર્ફે બબલુ) શિવલાલ જાદવ (ઉ.વ.40)નાં તત્કાળ મૃત્યુ થયાં હતાં.  બહાર આવેલી વિગતો અનુસાર, ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા હિતુભા ચૂડાસમા અને તેમનો મિત્ર દેવેન્દ્રાસિંહ જાદવ ઇનોવા જીપકારથી ગાંધીધામથી કારાઘોઘા તરફ જઇ રહ્યા હતા ત્યારે આજે પરોઢિયે તેમનો ગુંદાલા-લાખાપર ચોકડી અને પ્રાગપર વચ્ચેના માર્ગે પુલ પાસે આ ગોઝારો અકસ્માત થયો હતો.  પોલીસે આ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આગળ જઇ રહેલા આર.જે. 49 0705 નંબરના ટ્રેઇલર સાથે પાછળથી  અથડાઇને ઇનોવા જીપકાર તેમાં ઘૂસી જતાં અકસ્માતની આ ઘટના બની હતી. જીપકારનો આગળનો ભાગ બુકડો બોલી ગયો હતો. બંને મૃતકો અત્યંત ગંભીર ઇજા થવા સાથે ઇનોવાની સીટ ઉપર જ મૃત્યુ પામ્યા હતા.  બનાવની જાણ થતાં મુંદરા મરીન પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી વ્યવસ્થામાં પરોવાયો હતો. બંને હતભાગીનું પોસ્ટમોર્ટમ મુંદરા ખાતે કરાયું હતું. આ પછી મૃતદેહો પરિવારજનોને સુપરત કરાયા હતા. બે-બે આશાસ્પદ વ્યક્તિ અકસ્માતના આ કિસ્સામાં કાળનો કોળિયો બની જતાં અરેરાટી સાથે શોક ફેલાયો છે.  દરમ્યાન, અકસ્માતના પગલે માર્ગ ઉપરનો ટ્રાફિક અવરોધાતો હતો. પોલીસે આ વ્યવસ્થા રાબેતા મુજબની કરાવી હતી.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer