મોચીરાઇમાં મગરના મૃતદેહની દફનવિધિ

મોચીરાઇમાં મગરના મૃતદેહની દફનવિધિ
ભુજ, તા. 22 : દર સારા ચોમાસે જ્યાંના લોકો ઉત્કંઠાપૂર્વક હંજ, સુરખાબ, પેણ સહિતના વિદેશી મહેમાનોની એક ઝલકમાત્ર પામવા માટે બેચેન બને છે, રૂપકડાં સુરખાબોનાં ઊડતાં ટોળાં જોઇને ધરતી પર જ સ્થિર થઇ જાય છે તેવા કચ્છમાં જિલ્લા મથકથી ઉત્તર-પશ્ચિમે પક્ષીઓ માટે અત્યંત સલામત મનાતા મકનપર (ધોંસા)ના ઘાટીલા સરોવર નજીક નિર્દયતાપૂર્વક થયેલી મગરની હત્યાએ જીવદયાપ્રેમીઓમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે અને વનતંત્ર આ જળચરના હત્યારાઓને તાકીદે ખુલ્લા પાડે અને નશ્યત પહોંચાડે તેવી માંગ ઊઠી છે. કચ્છમાં ક્રૂરતાપૂર્વક ગાંડો બાવળ કાપીને કોલસા બનાવવાનું ચલણ છે પણ જીવસૃષ્ટિ પર કોઇ આટલી નિર્દયતા દર્શાવતું નથી તેવા શબ્દો સાથે કચ્છ નેચર ક્લબના કાર્તિક પોમલ, જાણીતા જીવદયાપ્રેમી અને પક્ષીપ્રેમી નવીન બાપટ સહિતનાએ  મગરની હત્યાનું પગેરું પદ્ધતિસર મેળવાય અને કાપીને લઇ જવાયેલી પૂંછડી પાછળનું રહસ્ય પણ ઉજાગર થાય તેવી માંગ કરી છે. મકનપર (ધોંસા) તળાવ નજીક નિર્જન સીમાડામાં ગઇકાલે મોંમાંથી બંધાયેલો અને પૂંછડી કપાયેલો મગર દયનીય હાલતમાં જીવન-મરણ વચ્ચે હોવાની ફરિયાદ ગ્રામજનોએ વનતંત્રને કરતાં ભુજ પશ્ચિમ રેન્જના આર.એફ.ઓ. એસ.કે. અબોટી તથા ફોરેસ્ટર ઇશાક બ્રેર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જો કે, ત્યાં સુધી ઘાતકીઓનો ભોગ બનેલા જીવે અંતિમ શ્વાસ લઇ લેતાં તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ભુજ પશુ દવાખાનાએ લાવવામાં આવ્યો હતો. આ સંદર્ભે આર.એફ.ઓ. અબોટીના જણાવ્યાનુસાર, મગરનું મોઢું  સળિયાથી બાંધી અત્યંત ક્રૂરતાપૂર્વક તેની પૂંછ કાપવામાં આવી છે. ભારતીય વન સંરક્ષણ કાયદા અનુસાર, મગર  શેડયૂલ-1નું પ્રાણી છે, અર્થાત્ તેનાં સંરક્ષણ અને સંવર્ધન માટે ખાસ આકરા કાયદા ઘડાયેલા છે. આ જીવ ઘટતી જતી સંખ્યામાં હોવાથી અને સમસ્ત પર્યાવરણ માટે તેની હાજરી જરૂરી હોવાથી તેને કાયદાનુસાર સલામતી બક્ષવામાં આવી છે અને તેની છેડછાડ કે તેને ઇજા પહોંચાડવી કે હત્યા કરવી એ ખૂબ ગંભીર ગુનો ગણાય છે. બિનજામીનપાત્ર ગુનો છે અને આરોપીઓના રિમાન્ડ લઇને પૂછપરછ કરાશે. કચ્છના મુખ્ય વન સંરક્ષક શ્રી રંધાવા તથા નાયબ વન સંરક્ષક સહિતના અધિકારીઓ આ પ્રકરણને ગંભીરતાથી લઇ રહ્યા છે અને તેથી જ વનતંત્રએ સાતથી આઠ કર્મચારીઓની ટીમને આ હત્યાકેસનો ભેદ ઉકેલવા અને આરોપીઓની ઓળખ કરી ધરપકડ કરવા કામે લગાડી છે. જો કે, હજુ સુધી કોઇ પકડાયું નથી, અને તળાવમાં માછીમારી કરનારાં તત્ત્વો પૈકી જ કોઇ આ કૃત્યમાં સામેલ હોવાની તંત્રને ગંધ આવી રહી છે. દરમ્યાન, ગઇકાલે પશુ ચિકિત્સક ડો. કુલદીપે આ મગરના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ આજે આવેલા હેવાલ અનુસાર, કુહાડી જેવા ધારદાર શત્રથી પૂંછડી કાપવામાં આવી છે અને ગળામાં વાયરનો ફંદો મજબૂત રીતે ફસાવાતાં શ્વાસ રૂંધાવાથી આ નિર્દોષ જળચરે જીવ ગુમાવ્યાનું તારણ નીકળ્યું છે. મોચીરાઇ સ્થિત નર્સરીમાં મગરના દેહની દફનવિધિ કરવામાં આવી છે.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer