ભુજ બેઠકમાં ભાજપના ઉમેદવારે ખોટી ઉંમર દર્શાવ્યાની કોંગ્રેસ દ્વારા ફરિયાદ

ભુજ બેઠકમાં ભાજપના ઉમેદવારે ખોટી ઉંમર દર્શાવ્યાની કોંગ્રેસ દ્વારા ફરિયાદ
ભુજ, તા. 22 : વિધાનસભાની ભુજ બેઠકની ચૂંટણીના ભારતીય જનતા પાર્ટીના  ઉમેદવાર ડો. નીમાબેન આચાર્ય દ્વારા ઉમેદવારીપત્ર  સમયે ખોટું સોગંદનામું કર્યું હોવાની ફરિયાદ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. આ મામલે સંબંધિતોને લેખિતમાં ફરિયાદ આપ્યા બાદ જરૂર પડયે રાજ્ય અને દેશની વડી અદાલત સુધી મામલો લઇ જવાની તૈયારી પણ બતાવાઇ છે. અલબત્ત જિલ્લાના વહીવટી અને ચૂંટણી તંત્રએ આ વાંધો ગ્રાહ્ય ન રાખી ફોર્મને માન્યતા આપી છે. ભુજ વિધાનસભા બેઠકના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના  ઉમેદવાર આદમભાઇ બુઢા ચાકીએ આજે ભુજમાં પત્રકાર પરિષદ બોલાવીને ભાજપના ઉમેદવાર દ્વારા ખોટું સોગંદનામું કરાયું હોવાનો ધડાકો પુરાવા સાથે કર્યો હતો. ખોટું સોગંદનામું કરવું કે સોગંદનામું કરીને તેમાં ખોટી વિગતો પેશ કરવી એ ભારતીય કાયદા અને બંધારણ મુજબ ગુનો બનતો હોવાનું જણાવી તેમણે ભાજપનાં મહિલા ઉમેદવાર દ્વારા આ ગુનો કરાયો હોવાનો આરોપ મ્ક્યો હતો. હાલે ભાજપ વતી ચૂંટણી લડી રહેલાં શ્રીમતી ડો. આચાર્ય ભુજ બેઠક ઉપર જ વર્ષ 2012માં ચૂંટણી લડયાં હતાં ત્યારે તેમણે પોતાના સોગંદનામામાં પોતાની ઉમર 66 વર્ષ બતાવી હતી. આ વખતની ચૂંટણી માટેના ઉમેદવારીપત્ર સાથે તેમણે રજૂ કરેલા સોગંદનામામાં તેમણે પોતાની વય 69 વર્ષ બતાવી છે. વાસ્તવમાં આ વય 71 વર્ષ હોવી જોઇએ. શ્રી ચાકીએ એવો આરોપ મૂક્યો હતો કે ફરિયાદ છતાં સ્થાનિકે અધિકારીઓનું વલણ અને પગલાં સંતોષકારક રહ્યા નથી. પત્રકાર પરિષદમાં કોંગ્રેસના ભુજના પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ મંત્રી ગફુર શેખ, જિલ્લા અગ્રણી જુમાભાઇ ઇશા નોડે, જિલ્લા પ્રવક્તા અને મહામંત્રી ઘનશ્યામાસિંહ ભાટી, ભુજ શહેર પ્રમુખ રસિકભાઇ ઠક્કર, અગ્રણીઓ રમેશ ગરવા, રાજેશ ત્રિવેદી, ઇલિયાસ ઘાંચી વગેરે હાજર રહ્યા હતા અને તેમણે પૂરક વિગતો આપી હતી. દરમ્યાન, ભુજના ઉમેદવાર ડો. નીમાબેન આચાર્યએ એક લેખિત યાદીમાં જણાવ્યું હતું કે, વર્ષ 2012ના ચૂંટણી ફોર્મમાં ઉમર ભૂલથી 64ના સ્થાને 66 વર્ષ લખાઇ ગઇ હતી, પરંતુ જન્મનું પ્રમાણપત્ર રજૂ કરાયું હતું. આજે 2017ના ફોર્મની ચકાસણી થઇ હતી, જેમાં જન્મના દાખલા મુજબ 69 વર્ષની સાચી વય લખાઇ હતી, જેના પગલે ફોર્મ માન્ય કરી દેવાયું હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસ ઉમેદવારના ફોર્મમાં ઘણી અધૂરાશ હતી જે તેમણે પાછળથી સુધારી હતી પરંતુ તે સામે અમે કોઇ વાંધો લીધો નહોતો.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer