રામકૃષ્ણ મિશન નિષ્કામ કર્મયોગના આધારે સેવાના કાર્યો કરી રહ્યું છે

રામકૃષ્ણ મિશન નિષ્કામ કર્મયોગના  આધારે સેવાના કાર્યો કરી રહ્યું છે
ગાંધીધામ, તા. 22 : ભગવતી નિવેદિતાજીની 150મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે અંજારના રામકૃષ્ણ શારદા સેવા કેન્દ્ર દ્વારા દરિદ્રનારાયણોને વિવિધ સહાય વિતરણ તથા પ્રતિભા સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત ભુજ રામકૃષ્ણ યુવક મંડળના અધ્યક્ષ કેશવભાઇ ગોરે કહ્યું હતું કે, રામકૃષ્ણ મિશન નિષ્કામ કર્મયોગના આધાર ઉપર રચાયું છે અને તેવા જ સેવાના કાર્યો તે કરી રહ્યું છે. ભાગવતાચાર્ય દિનેશભાઇ રાવલ તથા સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજના મુખ્ય અતિથિપદે યોજાયેલા આ કાર્યક્રમમાં શ્રી ગોરે વધુમાં કહ્યું હતું કે, વિવેકાનંદજીએ સ્થાપેલા આ મિશનના અત્યારે વિશ્વમાં 175 કેન્દ્રો છે, જે પૈકી 140 ભારતમાં છે, જેના દ્વારા 2500 સંન્યાસી કાર્યરત છે. આ કાર્યક્રમમાં ડીવાયએસપી ધનંજયસિંહ વાઘેલા, ગાંધીધામના સુરેશભાઇ પટેલ, મુખ્યદાતા પ્રમેશભાઇ વેદ, સંસ્થાના પ્રોજેક્ટ ઇન્ચાર્જ હર્ષવર્ધન વોરા, માંડવી રામકૃષ્ણ સેવા મંડળના પ્રમુખ પી. એમ.ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોના હસ્તે અહલ્યા કન્યા છાત્રાલયની બાલિકાઓને સ્કૂલબેગ અને વિવેકાનંદજીના સંદેશની પુસ્તિકાનું વિતરણ કરાયું હતું. એક શ્રમજીવીને હાથલારી સહાય, બે જરૂરતમંદ બહેનોને સિલાઇ મશીન સહાય, છાત્રોને સાઇકલ વિતરણ કરાયું હતું. વિવિધ ક્ષેત્રે પ્રદાન બદલ એલ. વી. વોરા, મનીષભાઇ પંડયા, રઘુભાઇ વસોયા, કુ. કુંજલ પી. છાયા, કલ્પનાબેન મહેતા, રમેશભાઇ ચૌહાણ, શૈલેશ સુંઢા, વંકાભાઇ રબારી, મુકેશભાઇ ધોળકિયા વગેરેનું સન્માન કરાયું હતું. સંસ્થા દ્વારા અંજારમાં ટૂંક સમયમાં સીવણ વર્ગ તથા કોમ્પ્યુટર તાલીમ વર્ગ શરૂ કરવા નેમ વ્યકત કરાઇ હતી. આ તબક્કે સ્વ. દીનુભાઇ પી. ધોળકિયા પરિવાર તરફથી ગં.સ્વ. તારાબેન ધોળકિયા દ્વારા કોમ્પ્યુટર સેટ-1 અર્પણ કરવાની જાહેરાત થઇ હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત અનેક દાતાઓએ  માસિક રાશનકિટ અર્થે દાનની જાહેરાત કરી હતી. કાર્યક્રમમાં ભુજના જાણીતા કલાકારો ભારતેન્દુ માંકડ તથા પ્રગતિબેન મહેતાએ ભકિતગીતો, ભજનો રજૂ કર્યા હતા. સંસ્થાના સંયોજક સુરેશ?છાયાએ આભારની લાગણી દર્શાવી હતી. સંચાલન નયનાબેન ભટ્ટે સંભાળ્યું હતું. તેજપાલભાઇ તથા દિલસુખભાઇ છાયા સહયોગી બન્યા હતા.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer