નખત્રાણામાં શિવાલય નજીક ઊભરાતા ગટરના ગંદા પાણીથી ભારે હાલાકી

નખત્રાણામાં શિવાલય નજીક ઊભરાતા ગટરના ગંદા પાણીથી ભારે હાલાકી
નખત્રાણા, તા. 22 : છેલ્લા એકાદ માસથી અહીંના નવાવાસ વિસ્તારના છેલા પાસેના ૐકારેશ્વર મંદિર પાસે ગટરની લાઇન તૂટી જતાં તેમજ તાત્કાલિક રીપેરીંગ ન થતાં તેમાંથી અસહ્ય દુર્ગંધ મારતા પાણીનો ભરાવો થતાં મંદિરની પવિત્રતા ઝંખવાય છે, એટલું જ નહીં વહેલી સવારે મંદિરે  આવતા દર્શનાર્થીઓની લાગણી દુભાય છે.અહીંના બસ સ્ટેશન પાસે આવેલા શિવ મંદિર સંકુલ પાસે છેલામાં ગટરલાઇન છે. આ ગટરલાઇનમાંથી સતત ગંદુ પાણી વહ્યા કરે છે જેના કારણે માખી-મચ્છરોનો ત્રાસ ખૂબ જ વધ્યો છે. મંદિરના પૂજારીએ ફરિયાદ કરતાં કહ્યું હતું કે, મંદિર નજીક તૂટેલી ગટરના કારણે પૂજાપાઠ વિગેરેમાં ખૂબ જ મુશ્કેલી થાય છે. મચ્છરાનો ત્રાસ એટલી હદે વધ્યો છે કે શરીરમાં કેરોસીન લગાવીને બેસવું પડે છે. આ બાબતની ઠેઠ કલેક્ટર સુધી ફરિયાદ કરવા છતાં કોઇ કાર્યવાહી થતી નથી. તૂટેલી ગટરલાઇનનું કામ છેલ્લા એકાદ માસથી ચાલુ છે પરંતુ તે બિલકુલ ગોકળગાયની ગતિએ થાય છે. ઉપરાંત ગટરની આખી લાઇન જે.સી.બી. વડે ખોલી નાખવામાં આવી છે અને તેમાંથી ગટરનું ગંદું પાણી દરરોજ ભરાય છે. ગંદા પાણીના ખાબોચિયાં ભરાયેલાં રહે છે. આ અગાઉ અનેક વખત પાસે આવેલી હોટલની ગટરલાઇન તૂટી જતાં ગટર ઉભરાવાના કારણે દિવસો સુધી ગટરનું ગંદું પાણી વહી છેલા પાસે એકત્રિત થતું હતું. વારંવારની ફરિયાદો અને અખબારી હોબાળો થતાં માંડમાંડ તે લાઇનનું કામ થયું અને હવે શિવાલય પાસે ગટરનું ગંદું પાણી વહેતાં ધાર્મિક લાગણી દુભાય છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer