ભાવનગરને હરાવી, ભુજ ફાઈનલમાં

ભાવનગરને હરાવી, ભુજ ફાઈનલમાં
રાજકોટ/ભુજ, તા. 22 : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. દ્વારા આયોજિત અન્ડર-16 આંતર જિલ્લા સિઝન બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટની સેમિ ફાઈનલમાં ભાવનગર સિટી ટીમને હરાવી, કે.સી.એ. ભુજની ટીમે પહેલી વખત ફાઈનલમાં પહોંચીને ઈતિહાસ રચ્યો છે. રાજકોટ સિટી સામે તે ફાઈનલ રમશે. ગઈકાલનો અધૂરો દાવ ભાવનગર સિટી ટીમ દ્વારા આજે સવારે ખંઢેરી-2 પર સવારે 9.30 વાગ્યે શરૂ થયો, જેમાં ભાવનગર સિટી ટીમ કચ્છની ધારદાર બોલિંગ સામે 65 ઓવરમાં 154 રનમાં ઓલઆઉટ થઈ હતી. આમ, કે.સી.એ. 43 રનથી વિજેતા જાહેર થઈ હતી. ભાવનગર વતી ભવદીપ ચૌહાણે 44, ધાર્મિક જોષીએ 28 રન કર્યા હતા.  કચ્છ તરફથી બોલિંગમાં આદિત્યસિંહ જાડેજાએ  19 ઓવર (છ મેઈડન)માં 39 રનમાં મહત્ત્વની 4 વિકેટ ઝડપી તરખાટ મચાવ્યો હતો. લેગ સ્પિનર કુણાલ કટ્ટાએ 16 ઓવર (6 મેઈડન)માં 36 રન આપી 3 વિકેટ તેમજ ઓફ સ્પિનર મન સડાતે 14 ઓવરમાં 38 રન આપી બે વિકેટ લીધી હતી. આર્યન મલિકે 16 ઓવરમાં 31 રન આપી 1 વિકેટ મેળવી હતી. આમ, ભાવનગર ટીમ 197 રનનો પીછો કરતા 154 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ, ભુજનો 43 રને વિજય થયો હતો.  ફાઈનલ મેચ 25, 26, 27ના રાજકોટ ખંઢેરી ખાતે રમાશે. કે.સી.એ.ના પ્રમુખ બહાદુરસિંહ જાડેજા, ઉપપ્રમુખ ભરતભાઈ ધોળકિયા, મંત્રી અતુલભાઈ મહેતા, પ્રવીણભાઈ હીરાણી, સિલેક્ટર મહિપતસિંહ રાઠોડ, ગિરીશભાઈ ઝવેરી તથા ક્રિકેટના ખેલાડી રાજેન્દ્રસિંહ જાડેજા, નવલસિંહ જાડેજાએ ફાઈનલમાં પહોંચવા બદલ ટીમના કોચ શંકરસિંહ રાઠોડ તથા ટીમને શુભેચ્છાઓ આપી હતી.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer