પશ્ચિમી વિક્ષોપથી કચ્છમાં તીવ્ર ઠાર

નલિયા, તા. 22 : અફઘાનિસ્તાન જેવા પશ્ચિમી ભાગોમાંથી આવતી હળવાં દબાણથી સિસ્ટમથી ભારતનાં ઉત્તરીય ક્ષેત્રોમાં સર્જાયેલો પશ્ચિમી વિક્ષોભ તીવ્ર બનતાં કચ્છ, સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઉત્તરીય પવનોની સૌથી ઊંડી અસરતળે આજે 8.4 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનાં સૌથી શીતળ સ્થળ બની રહેલાં નલિયામાં જનજીવન મોસમના સૌથી તીવ્ર ઠારથી થરથરી ઊઠયું હતું. એટલું જ નહીં, પરંતુ હજુ બે દિવસ પછી શુક્રવારથી બીજો પશ્ચિમી વિક્ષોભ સક્રિય થનાર હોવાથી કચ્છમાં ઠાર જારી રહેશે. ભુજ 13.5 ડિગ્રી સાથે નલિયા પછી રાજ્યમાં સૌથી વધુ ઠર્યું હતું. જિલ્લા મથક સ્થિત હવામાન વિભાગના નિયામક રાકેશકુમારે `કચ્છમિત્ર'ને જણાવ્યું હતું કે, 24મી નવેમ્બરથી પશ્ચિમી વિક્ષોભનો બીજો દોર જિલ્લામાં ઠંડીનું મોજું હજુ જારી રહેવાનું કારણ બનશે. છેલ્લા એકાદ સપ્તાહથી શિયાળો સક્રિય બન્યો છે અને બે દિવસથી તો રાતની સાથો સાથદિવસ ઠરી રહ્યો છે. બુધવારની સવાર ઉગતાંની સાથે જ     ઉત્તર-પૂર્વની શિયાળુ દિશામાં ફુંકાયેલા ટાઢાબોળ પવનોએ તડકાને તપવાની તક જ નહોતી આપી. સૂસવાટાભેર કાનમાં જાય તો માથું દુ:ખાડી દે, તેવા ઠંડા પવનોથી નલિયા અને તેની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં માગશર માસના પ્રારંભે જ મારકણા ઠારથી ઠરી ઊઠયું હતું. બીમાર વ્યકિતઓ, વડીલો, નાના બાળકો તેમજ શ્વાસની તકલીફવાળા દર્દીઓની સાથો સાથ કાચાં ભૂંગાઓમાં રહેતા શ્રમજીવી વર્ગની ઠંડીએ કફોડી હાલત કરી નાખી હતી. કાંઠાળ વિસ્તારનાં સુથરી, જખૌ, પીંગલેશ્વર સહિતનાં ગામોમાં જનજીવનની સવાર મોડી ઉગી  હતી. સૂરજબારીથી માંડીને સીમાવર્તી પંથક સુધી જિલ્લામાં વાગડ પંથક, માકપટ્ટ, પાવરપટ્ટી, આહીરપટ્ટી સહિત ભાગોમાં ચોમેર ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઊની વત્રોથી માંડીને વસાણાની બજારમાં `ઠાર પ્રેરિત' ગરમી આવવા માંડી છે. કંડલા પોર્ટ પર 14.8 અને માંડવીમાં 18 ડિગ્રી સાથે કાંઠાળ પટ્ટ પણ ઠર્યો હતો   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer