ગાંધીધામ સંકુલમાં વસતા પરપ્રાંતીય સમાજો ચૂંટણી ટાણે વિવિધ અપેક્ષા દાખવી રહ્યા છે

ગાંધીધામ, તા. 22 : વિધાનસભાની આગામી ચૂંટણીઓ હવે નજીક આવી રહી છે ત્યારે મિની ભારત ગણાતા આ સંકુલમાં વસતા જુદા જુદા રાજ્યના જુદા જુદા સમાજના લોકોનો અભિપ્રાય અને તેમની સરકાર પાસેની અપેક્ષાઓ જાણવાની કોશિષ કરાઇ?હતી. જેમાં મુખ્યત્વે તેમના માદરે વતન જવા માટેની સીધી ટ્રેન, કોમ્યુનિટી હોલ માટે, શાળા માટે જમીન, રાજકારણમાં હોદા, પાલિકા, તાલુકા પંચાયતની ચૂંટણીમાં પોતાના ઉમેદવાર, કંપનીમાં કામ કરતા કર્મવીર (શ્રમિકો)ને સુરક્ષા, સરકારી હોસ્પિટલની સારી, સ્વચ્છ સુવિધાઓ વગેરે માંગ વિવિધ સમાજના અગ્રણીઓએ કરી હતી. મહેનતું અને સમાજ સેવામાં માનનાર શીખ સમાજ આ સંકુલમાં વર્ષોથી વસવાટ?કરે છે. સિંઘ સભાના સત્યપાલસિંઘએ જણાવ્યું હતું કે, જમ્મુ તાવીની સીધી ટ્રેનની અમારી જૂની માંગ છે. આગામી સમયમાં જે પણ સરકાર બને ગટર, પાણી, સફાઇ, દીવાબત્તીની યોગ્ય વ્યવસ્થા કરવી જોઇએ. તેમજ રાજકારણમાં અમારા સમાજના લોકોને હોદો મળવો જોઇઅ અને આગામી પાલિકા, તાલુકા પંચાયતની બેઠકો માટે પણ સમાજના લોકોને ટિકિટ મળવી જોઇએ તેવી માંગ કરવામાં આવી હતી. ઉત્તર ભારતીય સમાજના યુવા પ્રમુખ ક્રિષ્ના મિશ્રાએ પ ?પોતાના સમાજને રાજકીય હોદાઓ મળવાની માંગ સાથે એક સમાન દરજ્જો મળવો જોઇએ તેવી વાત કરી હતી. ચૂંટણી આવે ત્યારે જ અમારા સમાજને યાદ કરાય છે બાદમાં તમામ રાજકીય પક્ષો અમને ભૂલી જતા હોય છે. જનસંખ્યાના આધારે અમને ટિકિટ મળવી જ જોઇએ. કંડલા, મુંદરા પોર્ટ ઉપર અમારા વિસ્તારના કર્મવીર (શ્રમિકો)ની મોટી ભૂમિકા છે જેથી તેમને સુરક્ષા મળવી જોઇએ. તો કેરાલા સમાજના મધુ મેનને એક સપ્તાહમાં બે ટ્રેન સીધી કેરાલાની આપવાની માંગ કરી હતી. તેમજ કેરાલા સમાજની શાળા માટે જમીન નથી અમે અમારી શાળામાં અનેક વિદ્યાર્થીઓને નિ:શુલ્ક શિક્ષણ આપીએ છીએ. અમારી શાળાનું શિક્ષણ સ્તર પણ ઘણું ઉંચુ છે પરંતુ જમીન નથી. અગાઉ અનેક વખત કેન્દ્ર રાજ્ય સરકારને રજૂઆતો કરી છે પણ કાંઇ થતું નથી. આગામી સમયમાં જે પક્ષની સરકાર બને તે અમારી આ માગણીઓ સ્વીકારે તેવું તેમણે ઉમેર્યું હતું. મધ્યપ્રદેશના ક્રિષ્નાબેન ચૌધરીએ પણ સીધી ટ્રેનની માગણી, રાજકારણમાં હોદાઓ અને ગામમાં સાફ સફાઇ, ગટરની યોગ્ય વ્યવસ્થા, દીવાબત્તી વગેરેની માંગ કરી હતી. ઓરિસ્સાના પ્રકાશ સિંઘે ચૂંટણી દરમ્યાન નેતાઓ વાયદાઓ ઘણાં કહે છે પણ પૂરા થતા નથી તેવો આક્ષેપ કર્યો હતો. સાથોસાથ રામબાગ જેવી સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ, સ્ટાફની ઘટના કારણે ગરીબ દર્દીઓને હેરાન થવું પડે છે. થોડા સમય પહેલાં ઓડિયા સમાજની એક બાળકીને ડેન્ગ્યુ થયો હતો તે રામબાગમાં દવા લેવા જતાં દવાનો જથ્થો ખતમ થઇ ગયો હોવાનું કહીને તેને રવાના કરી દેવાઇ હતી. બાદમાં આ અંગે ધારાસભ્યને રજૂઆત કરાતાં તે જ સમયે દવા અપાઇ હતી. જો દવાના જથ્થા માટે પણ ધારાસભ્યને રજૂઆત કરવી પડે તે કેટલું યોગ્ય છે તેવો પ્રશ્ન તેમણે કર્યો હતો. રાજકીય નેતાઓએ સ્વાર્થ મૂકીને ગરીબ લોકોની સેવા કરવી જોઇએ, ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પણ પાયાની સુવિધાઓ આપવી જોઇએ. બંગાળી સમાજના અશોકભાઇએ કહ્યું હતું કે, સંકુલની આસપાસ હજુ વધુ ઉદ્યોગો લાવવા જોઇએ અને તમામ રાજ્યના તમામ સમાજના યોગ્ય અને લાયકાત ધરાવતા યુવાનોને તેમાં રોજગાર આપવા જોઇએ. શહેર, સંકુલને પોતાના ઘરની જેમ સાફ રાખવાની તમામ શહેરીજનોની જવાબદારી છે તે લોકોએ પૂરી કરવી જોઇએ. અમારા બાળકો ગુજરાતી, હિંદી, અંગ્રેજી ભાષા લખી, બોલી અને વાંચી શકે છે પણ પોતાની માતૃભાષા બંગાળી આવડતી નથી તો તેના માટે અમને સરકાર જમીન આપે તો અમે બંગાળી ભાષાની એક શાળા શરૂ કરી શકીએ. આંધ્રા સમાજના વંકા ક્રિષ્નારાવએ કહ્યું હતું કે, અમારા રાજ્યના અનેક લોકો પાસે ચૂંટણીકાર્ડ -આધારકાર્ડ નથી તો કામદારો જે કંપનીઓમાં કામ કરતા હોય છે તેવી કંપનીઓ પણ?પ્રમાણપત્ર આપતી નથી. આંધ્ર સમાજનો કોમ્યુનિટી હોલ બનાવવા આગામી સમયની સરકાર અમને જમીનની ફાળવણી કરે તેવી માંગ તેમણે કરી હતી. અમારા લોકો શાંત છે અને મહેનત કરવામાં માને છે. અમારી વર્ષો જૂની ટ્રેનની માંગ પણ?સંતોષાતી નથી. આમ જુદા જુદા રાજ્યના જુદા જુદા સમાજના અગ્રણીઓએ આગામી સમયમાં બનનાર સરકાર પાસે વિવિધ?અપેક્ષાઓ સેવી હતી.    

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer