ભુજમાં બંગલા પર કબજા સમયની મારામારી કેસમાં વકીલની ધરપકડ

ભુજ, તા. 22 : સમાજના વિવિધ વર્ગના સંખ્યાબદ્ધ લોકોના કરોડો રૂપિયા જેમાં સલવાયેલા પડયા છે તેવી અત્રેની જમીન અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલી પેઢી નેશનલ કન્સટ્રકશનના સંચાલકોની માલિકીના બંગલા ઉપર કબજો કરવા સમયે થયેલી મારામારી અંગેના કેસમાં પોલીસે આજે અત્રેના વરિષ્ઠ ધારાશાત્રી સંજય ત્રિકમભાઇ પટેલની ધરપકડ કરી હતી અને બાદમાં તેમને જામીન ઉપર મુકત કર્યા હતા. શહેરમાં જાદવજી નગર ખાતે આવેલા નેશનલ કન્સટ્રકશનના સંચાલક પિતા-પુત્ર રમેશભાઇ હાલાઇ અને ખીમજીભાઇ હાલાઇના બંગલા ઉપર ગત તા. 11મી મેના સવારે અદાલતના હુકમના આધારે ધારાશાત્રી એસ.ટી. પટેલ દ્વારા કબજો કરાયો હતો. આ સમયે મારામારી અને હુમલાની સામસામી ફરિયાદો લખાવાઇ હતી. આ પ્રકરણમાં આજે વ્યવસાયે વકીલ એવા શ્રી પટેલની ધરપકડ કરાઇ હતી. સત્તાવાર સાધનોએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે ધરપકડ બાદ ધારાશાત્રીએ જામીન બાબતે લેખિતમાં વાંધો લીધા બાદ પોલીસે તેમને પોતાના સ્તરેથી જ જામીન ઉપર મુકત કર્યા હતા. આ ફરિયાદ કુલ્લ છ આરોપી સામે દાખલ થઇ હતી. જેમાં આ પ્રથમ ધરપકડ થઇ હતી.    

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer