પૂર્વ કચ્છમાંથી 4.50 લાખનો દારૂ પકડાયો

ગાંધીધામ, તા. 22 : અંજારના તુણા અદાણી પોર્ટ નજીક ઝીરો પોઇન્ટ પાસેથી પોલીસે એક કારમાંથી રૂા. 3,54,800ના અંગ્રેજી શરાબ સાથે કારચાલકની ધરપકડ કરી હતી તેમજ ગળપાદર ત્રણ રસ્તા નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી એક કારમાંથી રૂા. 1,14,600ના દારૂ સાથે એક શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો. વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે પોલીસ તંત્રે દારૂ પકડી પાડવા માટે કમર કસી લીધી છે. આવામાં પૂર્વ કચ્છ પોલીસે દારૂના બે સફળ દરોડા પાડીને દારૂ પ્યાસીઓના મનસુબા ઉપર પાણી ફેરવી દીધું હતું. ગાંધીધામ બાજુથી તુણા જતા માર્ગ પરથી એક નંબર વગરની કારમાં દારૂ આવતો હોવાની પૂર્વ બાતમીના આધારે કંડલા પોલીસે તુણાના ઝીરો પોઇન્ટ પાસે વોચ ગોઠવી હતી. જ્યાં આ નંબર વગરની ટાટા ઝેનોન કાર આવતાં તેને રોકાવી તલાશી લેવાતાં  તેમાંથી દારૂનો જથ્થો નીકળી પડયો હતો. દરમ્યાન નાની ચીરઇના ગુલાબશા જુસબશા ફકીરની પોલીસે અટક કરી હતી અને કારમાંથી રીટઝ વ્હીસ્કીની 750 એમ.એલ.ની 228 બોટલ, બોમ્બે સ્પેશિયલના 180 એમ.એલ.ના 2000 કવાર્ટરિયા અને કિંગ ફિશર બિયરના 864 ટીન એમ કુલ્લ રૂા. 3,54,800નો શરાબ હસ્તગત કરવામાં આવ્યો હતો. આ ઇસમની પૂછપરછ કરતાં તેને નાની ચીરઇનો કરીમ મામદ પરીટ નામનો ઇસમ દારૂનો આ જથ્થો આપી ગયો હોવાની કેફિયત તેણે પોલીસ સમક્ષ આપી હતી. બીજીબાજુ ગળપાદર ત્રણ રસ્તા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પોલીસે વાહનો ખડકી દીધા હતા. દરમ્યાન બાતમીવાળી કાર નંબર જી.જે. 12-ડી.એ. 1405 આવતાં તેને રોકાવી હતી. આ કારના ચાલક રાજનગર અંતરજાળના શંભુ બધા ચંપાની ધરપકડ કરી કારમાંથી પાર્ટી સ્પેશિયલ 274 બોટલ, મેકડોવેલ્સની 108 બોટલ એમ કુલ્લ રૂા. 1,14,600નો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન મેઘરાજ રાજેશ ગઢવી નામનો શખ્સ નાસી ગયો હતો તેમજ દારૂનો આ જથ્થો ગાગોદર હાઇવે હોટેલ પાસેથી સુખદેવસિંહ બાપુ નામના શખ્સે ભરી આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ બે દરોડા દરમ્યાન દારૂ, રોકડ રકમ, મોબાઇલ અને બે કાર એમ કુલ્લ રૂા. 12,75,400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.     

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer