ટેકાના ભાવ છતાં કચ્છમાં મગફળીની ખરીદી થતી નથી

ભચાઉ, તા. 22 : દિવાળી પછી ખેડૂતોના ઘરમાં લણી લીધા બાદ હજારો મણ મગફળી પડી છે. પરંતુ જાહેર કરેલા ડેપોમાં પણ વારંવાર ફોન કરતાં જવાબ મળતો નથી તેવી ફરિયાદ ઊઠી હતી. નરા તા. ભચાઉના બહાદુરસંગ ભુરાજી જાડેજા, મહિપતસિંહ રાણુભા જાડેજાએ જણાવ્યું કે અમારે 4 ભાઇઓ વચ્ચે 4-4 ગાડી સિંગ ઘરમાં જગ્યા રોકે છે. અંજાર ખાતે ટેકાના ભાવે રૂા. 1800માં 40 કિલોના ભાવે ખરીદવાની જાહેરાત-વ્યવસ્થા થઇ છે પરંતુ 15 દિવસથી લેતા નથી. રાપર ખાતે પણ આ સુવિધા કરી હોવા છતાં ત્યાં કોઇ હોતું નથી. અંજારમાં કરગરતાં 1 ટેમ્પાની હા પાડી છે. શિયાળુ પાક લેવા ખાતર બિયારણ સહિતની ખેતીને લગતી સામગ્રીમાં પૈસાની જરૂર પડે ત્યારે કાં તો ઉધાર વ્યાજે લેવા પડે યા પાક જતો કરવાની છતે પૈસે ફરજ પડે છે. કકરવાથી દિગુભા મેઘુભા જાડેજાએ પણ આ અસુવિધાનો બળાપો કાઢી મુશ્કેલી હલ થાય તેવી માંગ કરી હતી.  સીધા મિલમાં રૂા. 1570નો ભાવ છે. ભચાઉ યાર્ડમાં રૂા. 1500માં ખરીદે છે. આમ ટેકાની રીતે ખરીદવા ગોઠવણ છતાં ઓછા ભાવે ખેડૂતો વેચી શકતા નથી. યોગ્ય વ્યવસ્થા થાય તો ખેડૂતો નિર્ણય લઇ શકે તેવી માંગ કરી હતી.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer