ધોળાવીરા આવતા પ્રવાસીઓ ઈતિહાસથી વંચિત

ધોળાવીરા આવતા પ્રવાસીઓ ઈતિહાસથી વંચિત
રામજી મેરિયા દ્વારા  ચોબારી (તા. ભચાઉ), તા. 21 : તાલુકાના ખડીર વિસ્તારમાં આવેલી વિશ્વવિખ્યાત હડપ્પન સભ્યતાનો સાડા પાંચ હજાર વરસ જૂનો ઇતિહાસ સાચવીને બેઠેલા ધોળાવીર વિશ્વસ્તરે વિખ્યાત છે, ત્યારે તેને જોવા માટે દેશ-વિદેશમાંથી દરરોજ હજારોની સંખ્યામાં લોકો મોટું અંતર કાપીને ધોળાવીરા પહોંચે છે, પરંતુ ત્યાં પહોંચતાં હડપ્પન સાઇટ બતાવવા માટે કોઇ ભોમિયો જ ન હોવાથી પ્રવાસીઓ મોટી આશાએ જે સાઇટને જોવા જાય છે તે માત્ર પથરા જોઇને પાછા ફરે છે. ધોળાવીરાના પ્રવાસે જનારા પ્રવાસીઓના જણાવ્યા પ્રમાણે અહીં કોઇ જ ગાઇડ કરવા માટે માણસ નથી, સાઇટ પર પહોંચતાં ગાઇડ જોવા મળે છે પરંતુ તેમને ફોસિલ પાર્ક કે અન્ય જગ્યા માટે છૂટ અપાઇ છે પરંતુ હડપ્પન સાઇટ પર જવાની છૂટ ન હોવાથી પ્રવાસીઓ જે આશાએ જાય છે તે જોવાય ન મળતાં નિરાશ થઇ પાછા ફરવું પડે છે. બીજી તરફ પ્રવાસીઓના જણાવ્યા પ્રમાણે સાઇટ ઉપર જે રીતે અવશેષો પડયા છે તે પણ સચવાતા ન હોવાની ફરિયાદ ઊઠી છે, મુખ્ય પ્રવેશદ્વાર પાસે પડેલા ગરગડી આકારના આલિશાન અવશેષને કોઇએ નુકસાન પહોંચાડીને તોડી નાખ્યું છે, ત્યારે તંત્રના માણસો કયાં ઊંઘે છે ? અહીં આવતા પ્રવાસીઓ અહીંની ખરાબ છાપ લઇને બહાર જાય છે, તેમ અહીં ફરી ન આવવા માટે સોશિયલ મીડિયામાં મેસેજ પાસ કરતા થયા છે, ત્યારે કચ્છના પ્રવાસનને લાંછન લગાવવા ખુદ સબંધિત તંત્ર જ જવાબદાર હોવાનું બહાર  આવી રહ્યું છે અને વાડ જ ચીભડા ગળે તેવો તાલ સર્જાયો છે. તંત્ર આ બાબતે ગંભીરતાથી નહીં વિચારે તો ધોળાવીરાવાસીઓ કાંઇક નવાજૂની કરવાની ચીમકી આપી રહ્યા છે. કચ્છમિત્રની ટીમે હડપ્પન સાઇટની રૂબરૂ મુલાકાત લીધી ત્યારે આ વિસ્તારના લોકોએ નિરાશા વ્યક્ત કરી હતી, અહીં કોઇ બીજા ધંધા-રોજગાર નથી ત્યારે અહીંના લોકો કયાં જાય તેવો સવાલ ઊભો થયો છે. લોકોએ જણાવ્યું હતું કે, જેમ સાડા પાંચ હજાર વરસ પહેલાં લોકો આ ગામ છોડીને ચાલ્યા ગયા છે તેમ અમોને પણ આ ગામ છોડીને ચાલ્યા જવાની ફરજ પડશે એવું લાગી રહ્યું છે, હજારો વરસ જૂની હડપ્પન સાઇટ જોઇને આશાઓ જાગી હતી કે, અહીં લોકોને રોજગાર મળશે. પરંતુ તેના બદલે લોકોની રોજીરોટી છિનવાઇ  રહી છે. ધોળાવીરાની આસપાસ લોકો રિસોર્ટ અને હોટેલો બનાવી રહ્યા છે પરંતુ હડપ્પન સાઇટ બતાવવાવાળા કોઇ નહીં હોય તો લોકો અહીં આવીને શું કરશે ? ધોળાવીરા સ્થિત ઇકો ટૂરિઝમના આગેવાન જીલુભા સોઢાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર અને કચ્છ યુનિવર્સિટી દ્વારા કેટલાક ગાઇડો તૈયાર કરાયા છે, તેમ આ ભૂમિમાં જન્મયા છે જેમને વરસોનો અનુભવ છે અને જેના લોહીમાં આ સભ્યતા સચવાયેલી છે તેવા જાણકાર લોકોને હડપ્પન સાઇટ બતાવવાની છૂટ આપવી જોઇએ. સુપર સ્ટાર અમિતાભ બચ્ચન દ્વારા સરકાર જાહેરાત કરાવે છે ત્યારે આ વિભાગનું તંત્ર તેને મનસ્વી રીતે વગોવી રહ્યું છે, આ સાઇટ પરથી નીકળેલા અવશેષો દિલ્હીમાં ધૂળ ખાઇ રહ્યા છે, અહીં કોઇ જ પ્રકારની વ્યવસ્થા નથી. ત્યારે મોટી આશાએ આવેલા પ્રવાસીઓ આ સ્થળની ખરાબ છાપ લઇ જઇને દુનિયા સમક્ષ મૂકશે. નિંભર તંત્રના વાંકે સ્થાનિકોને - કચ્છને અને સરકારને ભોગવવું પડે તે પહેલાં કલેકટર અને સંબંધિતો આ અંગે ગંભીરતા પૂર્વક વિચારી ઘટતું કરે તેવું ખડીરવાસીઓ કહી રહ્યા છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer